પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇચ્છામાં આવે તેટલો લંબાવી શકાય. લંબાવવામાં બેમાંથી એકેને ફાયદો ન થાય. આથી કેસનો અંત થતો હોય તો તે બેઉ જણ ઇચ્છતા જ હતા.

તૈયબ શેઠને મેં વીનવ્યા. ઘરમેળે પતાવવાની સલાહ આપી. તેમના વકીલને મળવાનું મેં સૂચવ્યું. બંનેને વિશ્વાસ આવે તેવા પંચને તેઓ નીમે તો કેસ ઝટ પતી જાય. વકીલોનાં ખર્ચ એટલાં બધાં ચડતાં હતાં કે તેમાં મોટા વેપારી પણ ખપી જાય. બંને એટલી ચિંતાથી કેસ લડતા હતા કે એકે નિરાંતે બીજું કશું કામ ન કરી શકે. દરમ્યાન વેર પણ વધ્યે જ જતાં હતાં. મને વકીલાત ઉપર તિરસ્કાર છૂટ્યો. વકીલ તરીકે તો બંનેના વકીલોએ એકબીજાને જીતવાની કાયદાની બારીઓ જ શોધી દેવાની રહી. જીતનારને બધું ખર્ચ કોઇ દિવસ નથી મળી શકતું એ મેં આ કેસમાં પ્રથમ જાણ્યું. પક્ષકારની પાસેથી લઈ શકાય એવી ફીનો એક આંકડો હોય, ને તે ઉપરાંત અસીલ વકીલ વચ્ચેનો બીજો આંકડો હોય. આ બધું મને અસહ્ય લાગ્યું. મને તો લાગ્યું કે મારો ધર્મ બંનેની મિત્રતા કરવાનો હતો, બંને સગાને મેળવવાનો હતો. મેં સમાધાનીને સારુ કાળજાતૂટ મહેનત કરી. તૈયબ શેઠ માન્યા. છેવટે પંચ નિમાયા. કેસ ચાલ્યો. કેસમાં દાદા અબદુલ્લા જીત્યા.

પણ મને એટલેથી મને સંતોષ ન થયો. પંચના ઠરાવની બજાવણી થાય તો તૈયબ હાજી ખાન મહમદ એટલા પૈસા એકાએક ન જ આપી શકે. દક્ષિણ આફ્રિકામાં વસતા પોરબંદરના મેમણોમાં એક ઘરમેળેનો અલિખિત કાયદો હતા કે પોતે મરે પણ દેવાળું ન કાઢે. તૈયબ શેઠ ૩૭,૦૦૦ પાઉંડ ને ખર્ચ એકાએક ન જ આપી શકે. તેમને એકે દમડી ઓછી નહોતી આપવી. દેવાળું તો નહોતું જ કાઢવું. રસ્તો માત્ર એક જ હતો. દાદા અબદુલ્લાએ તેમને પૂરતો વખત આપવો. દાદા અબદુલ્લાએ ઉદારતા વાપરીને ખૂબ લાંબો વખત આપ્યો. પંચ નિમાવવામાં મને જેટલી મહેનત પડી તેનાં કરતાં આ લાંબા હપતા કરાવવામાં વધારે મહેનત કરવી પડી. બંને પક્ષ રાજી થયા. બંનેની પ્રતિષ્ઠા વધી. મારા સંતોષનો પાર ન રહ્યો. હું ખરી વકીલાત શીખ્યો, મનુષ્યની સારી બાજુ ખોળી કાઢતાં શીખ્યો, મનુષ્યહ્રદયમાં પ્રવેશ કરતાં શીખ્યો. મેં જોયું કે વકીલનું કર્તવ્ય પક્ષકારોની વચ્ચે પડેલી તૂટ સાંધવાનું છે. આ શિક્ષણે મારા મનમાં