પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવી જડ ઘાલી કે મારી વીસ વર્ષની વકીલાતનો મુખ્ય કાળ મારી ઑફિસમાં બેઠાં સેંકડો કેસોની સમાધાનીઓ કરાવવામાં જ ગયો. તેમાં મેં ખોયું નહીં. દ્રવ્ય ખોયું એમ પણ ન કહેવાય. આત્મા તો ન જ ખોયો.


૧૫. ધાર્મિક મંથન

હવે પાછો ખ્રિસ્તી મિત્રો સાથેનો સંબંધ વિચારવાનો સમય આવ્યો છે.

મારા ભવિષ્યને વિષે મિ. બેકરની ચિંતા વધતી જતી હતી. તે મને વેલિંગ્ટન કન્વેન્શનમાં લઈ ગયા. પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તીઓમાં થોડે થોડે વર્ષે ધર્મજાગૃતિ એટલે આત્મશુદ્ધિને સારુ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. આને ધર્મની પુનઃપ્રતિષ્ઠા અથવા ધર્મના પુનરુદ્ધારને નામે આપણે ઓળખીએ. તેવું સંમેલન વેલિંગ્ટનમાં હતું. તેના સભાપતિ ત્યાંના પ્રખ્યાત પાદરી રેવરંડ ઍન્ડ્રુ મરે હતા. મિ. બેકરને એવી આશા હતી કે આ સંમેલનમાં થનારી જાગૃતિ, ત્યાં આવનારા લોકોનો ધાર્મિક ઉત્સાહ, તેમની નિખાલસતા મારા હ્રદય પર એવી ઊંડી છાપ પાડશે કે હું ખ્રિસ્તી થયા વિના નહીં રહી શકું.

પણ મિ. બેકરનો અંતિમ આધાર પ્રાર્થનાની શક્તિ ઉપર હતો. પ્રાર્થના વિષે તેમને ખૂબ શ્રદ્ધા હતી. અંતઃકરણપૂર્વક થયેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે જ છે એવો એમનો વિશ્વાસ હતો. પ્રાર્થનાથી જ મૂલર (એક પ્રખ્યાત ભાવિક ખ્રિસ્તી) જેવા માણસો પોતાનો વ્યવહાર ચલાવતા તેનાં દ્રષ્ટાંતો તે મને આપતા. પ્રાર્થનાના મહિમા વિષે મેં બધું તટસ્થપણે સાંભળ્યું. ખ્રિસ્તી થવાનો અંતર્નાદ આવે તો તેનો સ્વીકાર કરતાં કોઈ પણ વસ્તુ મને આડે આવે તેમ નહોતી, એમ મેં તેમને કહ્યું. અંતર્નાદને વશ થવાનું તો હું આ અગાઉ કેટલાંક વર્ષ થયાં શીખી ચૂક્યો હતો. તેને વશ થવામાં મને આનંદ આવતો. તેની વિરુદ્ધ જવું મને કઠિન અને દુઃખરૂપ હતું.

અમે વેલિંગ્ટન ગયા. મને 'શ્યામળા સાથી'ને સાથે લેવો એ મિ. બેકરને ભારે પડ્યું. અનેક વેળા મારે ખાતર તેમને અગવડ ભોગવવી પડી. રસ્તામાં અમારે મુકામ કરવાનો હતો, કેમ કે મિ. બેકરનો સંઘ રવિવારે મુસાફરી ન કરે, અને વચ્ચે રવિવાર આવતો હતો. વચ્ચે તેમ