પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરિવર્તન જેવાં જ પરિવર્તન બીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં. સિદ્ધાંતની દૃષ્ટિએ હિંદુધર્મીઓનો ત્યાગ મને ચડતો જણાયો. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા અર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શક્યો.

આ હ્રદયમંથન મેં પ્રસંગો આવતાં ખ્રિસ્તી મિત્રો પાસે મૂક્યું. તેનો જવાબ તેઓ મને સંતોષે તેવો ન આપી શક્યા.

પણ હું જેમ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર ન કરી શક્યો, તેમ હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરીપણા વિષે પણ હું નિશ્ચય ન કરી શક્યો. હિંદુ ધર્મની ત્રુટીઓ મારી નજર આગળ સતત તર્યાં કરતી હતી. અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું ને વધારાનું અંગ જણાયું. અનેક સંપ્રદાયો, અનેક નાતજાતોની હસ્તી, હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણિત તો બાઇબલ અને કુરાન કાં નહીં?

જેમ ખ્રિસ્તી મિત્રો મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા તેમ મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો. અબદુલ્લા શેઠ મને ઈસ્લામનો અભ્યાશ કરવા લલચાવી રહ્યા હતા. તેની ખૂબીઓની ચર્ચા તો કર્યા જ કરે.

મેં મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યો. તેમના જવાબ ફરી વળ્યા. રાયચંદભાઈના પત્રથી મને કઈંક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુ ધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. તેમના એક વાક્યનો ભાવાર્થ આ હતો: 'હિંદુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી, એવી નિષ્પક્ષપાતપણે વિચારતાં મને પ્રતીતિ થઈ છે.'

મેં સેલનું કુરાન ખરીદી તે વાંચવાનું શરૂ કર્યું. બીજાં પણ ઇસ્લામી પુસ્તકો મેળવ્યાં. વિલાયતના ખ્રિસ્તી મિત્રો સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાંના એકે એડવર્ડ મેટલૅડની સાથે ઓળખ કરાવી. તેમની સાથે પત્ર-વ્યવહાર ચાલ્યો. તેમણે ઍના કિંગ્સફર્ડની સાથે મળીને 'પરફેક્ટ વે' (ઉત્તમ માર્ગ) નામનું પુસ્તક લખ્યું હતું તે મને વાંચવા મોકલ્યું. પ્રચલિત