પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખ્રિસ્તી ધર્મનું તેમાં ખંડન હતું. 'બાઇબલનો નવો અર્થ' નામનું પુસ્તક પણ તેમણે મને મોકલ્યું. આ પુસ્તકો મને ગમ્યાં. તેમાંથી હિંદુ મતને પુષ્ટિ મળી. ટૉલ્સટૉયના 'વૈકુંઠ તમારા હ્રદયમાં છે' નામના પુસ્તકે મને ઘેર્યો. તેની છાપ મારા ઉપર બહુ ઊંડી પડી. આ પુસ્તકની સ્વતંત્ર વિચારશૈલી, તેની પ્રૌઢ નીતિ, તેના સત્ય આગળ મિ. કોટ્સે આપેલાં બધાં પુસ્તકો શુષ્ક લાગ્યાં.

આમ મારો અભ્યાસ ખ્રિસ્તી મિત્રો ન ઈચ્છે તે દિશામાં મને લઈ ગયો. એડવર્ડ મેટલૅડ સાથે મારો પત્રવ્યવહાર ઠીક લંબાયો. કવિ (રાયચંદભાઇ)ની સાથે તો છેવટ સુધી ટક્યો. તેમણે કેટલાંક પુસ્તકો મોકલ્યાં તે પણ મેં વાંચ્યાં. તેમાં 'પંચીકરણ', 'મણિરત્નમાળા', યોગવાસિષ્ઠનું 'મુમુક્ષુ પ્રકરણ', હરિભદ્રસૂરીનું 'ષડ્દર્શનસમુચ્ચય' ઈત્યાદિ હતાં.

આમ, જોકે હું ખ્રિસ્તી મિત્રોને ન ધારેલ માર્ગે ચડ્યો છતાં તેમના સમાગમે મારામાં જે ધર્મજિજ્ઞાસા જાગ્રત કરી તેને સારુ તો હું તેમનો સદાયનો ઋણી બન્યો. એ મારો સંબંધ મને હંમેશા યાદ રહી જશે. તેવા મીઠા અને પવિત્ર સંબંધો ભવિષ્યમાં વધતા ગયા, પણ ઘટ્યા નહીં.


૧૬. को जाने कल की?

खबर नहीं इस जुगमें पलकी
समझ मन ! को जाने कलकी ?

કેસ પૂરો થયો એટલે પ્રિટોરિયામાં રહેવાનું મને પ્રયોજન ન રહ્યું. હું ડરબન ગયો. ત્યાં જઈ હિંદુસ્તાન પાછા જવાની તૈયારી કરી. અબદુલ્લા શેઠ મને માનપાન વિના જવા દે તેમ નહોતું. તેમણે સિડનહૅમમાં મારે સારુ ખાનપાનનો મેળાવડો કર્યો. ત્યાં આખો દિવસ ગાળવાનો હતો.

મારી પાસે કેટલાંક છાપાં પડ્યાં હતાં. તે હું જોઈ રહ્યો હતો. તેના એક ખૂણામાં મેં એક નાનકડો ફકરો જોયો. મથાળું ’ઇંડિયન ફ્રેંચાઇઝ’ હતું. તેનો અર્થ ’હિંદી મતાધિકાર’ થયો. ફકરાની મતલબ એ હતી કે, હિંદીઓને નાતાલની ધારાસભામાં સભ્યોની ચૂંટણી કરવાના હક હતા તે લઈ લેવા. આને લગતો કાયદો ધારાસભામાં ચર્ચાઈ રહ્યો હતો. હું આ કાયદાથી અજાણ્યો હતો. મિજલસમાંના કોઈને હિંદીઓના હક લઈ લેનારા આ ખરડા વિષે કંઈ ખબર નહોતી.