પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘેર આવતા. તેમની પાસેથી શ્રવણ પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઈ જાય છે એ દૃશ્‍ય પણ મેં જોયું. બંને વસ્‍તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્‍યુ સમયનો તેનાં માતાપિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મે તો વાજામાંયે ઉતાર્યો. વાજું શીખવાનો શોખ હતો ને એક વાજું પિતાશ્રીએ અપાવ્‍યું પણ હતું.

આ જ અરસામાં કોઈ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ચંદ્રનું આખ્‍યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્‍યું હશે. હરિશ્ચંદ્રનાં સ્‍વપ્‍નાં આવે. ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ?’ એ ધૂન ચાલી. હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્‍યનું પાલન કરવું એ જ ખરું સત્‍ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ચંદ્રનાં દુઃખ જોઈ, તેનું સ્‍મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ચંદ્ર કોઈ ઐતિહાસિક વ્‍યક્તિ નહીં હોય. છતાં મારે મન હરિશ્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.


૩. બાળવિવાહ

પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઈચ્‍છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્‍યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી.

તેર વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બાર-તેર વર્ષનાં બાળકો પડ્યાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્‍મરણ કરું છું ત્‍યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્‍યાને સારુ મુબારકબાદી આપવાની ઈચ્‍છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં