પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેમાં સહી કરે છે તે સમજે નહીં ત્યાં સુધી સહી ન લેવાનો નિશ્ચય હતો, તેથી મુદ્દામ સ્વયંસેવકોને મોકલીને જ સહી લેવાય તેમ હતું. ગામડાં દૂર દૂર હતાં. એટલે, ઘણા કામકરનારા ચીવટથી કામ કરે તો જ આવાં કામ શીઘ્રતાથી થઈ શકે. તેમ જ થયું. આમાં બધાએ ઉત્સાહ પૂર્વક કામ કર્યું. આમાંના શેઠ દાઉદ મહમદ, પારસી રુસ્તમજી, આદમજી મિયાંખાન, અને આમદ જીવાની મૂર્તિઓ અત્યારે પણ મારી નજરે તરે છે. તેઓ ઘણી સહીઓ લાવ્યા હતા. દાઉદ શેઠ આખો દહાડો પોતાની ગાડી લઈ નીકળી પડતા. કોઈએ ખીસાખર્ચ સુદ્ધાં ન માગ્યું.

દાદા અબદુલ્લાનું મકાન ધર્માશાળા કે જાહેર ઑફિસ જેવું થઈ પડ્યું હતું. શિક્ષિત ભાઈઓ તો મારી પાસે જ હોય. તેઓનું અને બીજા કામદારોનું ખાવાનું દાદા અબદુલ્લાને ત્યાં જ થાય. આમ સહુ ખૂબ ખર્ચમાં ઊતર્યાં.

અરજી ગઈ. તેની એક હજર નક્લ છપાવી હતી. તે અરજીએ હિંદુસ્તાનની જાહેર પ્રજાને નાતાલનો પહેલો પરિચય કરાવ્યો. જેટલાં છાપાંનાં અને જાહેર આગેવાનોનાં નામ હું જાણતો હતો તેટલાંને તે અરજીની નકલો મોકલી.

'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'એ તે ઉપર અગ્રલેખ લખ્યો ને હિંદીઓની માગણીને સરસ ટેકો આપ્યો. વિલાયતમાં પણ અરજીની નકલ બધા પક્ષના આગેવાનોને મોકલવામાં આવી હતી. ત્યાં લંડનના 'ટાઈમ્સ'નો ટેકો મળ્યો. એટલે બિલને મંજૂરી ન મળવાની આશા બંધાઈ.

હવે મારાથી નતાલ છોડાય એવું ન રહ્યું. લોકોએ મને ચોમેરથી ઘેર્યો ને નાતાલમાં જ સ્થાયી રહેવાનો અતિશય અગ્રહ કર્યો. મેં મારી મુશ્કેલીઓ જણાવી. મારા મનની સાથે મેં નિશ્ચય કર્યો હતો કે મારે જાહેર ખરચે ન જ રહેવું. નોખું ઘર માંડવાની મેં આવશ્યકતા જોઈ. ઘર પણ સારું અને સારા લત્તામાં લેવું જોઈએ એમ મેં તે વેળા માન્યું.

બીજા બારિસ્ટરો રહે તેમ મારે રહેવામાં કોમનું માન વધે એમ મેં વિચાર્યું. આવું ઘર હું વર્ષના ૩૦૦ પાઉંડ વિના ન જ ચલાવી શકું એમ મને લાગ્યું. તેટલા પૈસાની વકીલાતની ખોળાધરી મળી શકે તો જ રહેવાય એમ મેં નિશ્ચય કર્યો ને તે કોમને જણવ્યો.