પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'પણ તેટલા પૈસા તમે જાહેર કામને સારુ લો તે અમને પરવડે તેમ છે, ને તેટલા એકઠા કરવા એ અમારે સારુ સહેલું છે. વકીલાત કરતાં મળે તે તમારું.' આમ સાથીઓએ દલીલ કરી.

'મારાથી એમ પૈસા લેવાય નહીં. મારા જાહેર કામની હું એટલી કિંમત ન ગણું. મારે કંઈ તેમાં વકીલાત ડાહોળવાની નથી, મારે તો લોકોની પાસે કામ લેવાનું રહ્યું છે. તેના પૈસા કેમ લેવાય? વળી મારે તમારી પાસેથી જાહેર કામને અર્થે પૈસા કઢાવવા રહ્યા. જો હું મારે સારુ પૈસા લઉં તો તમારી પાસેથી મોટી રકમો કઢાવતાં મને સંકોચ થાય ને છેવટે આપણું વહાણ અટકે. કોમની પાસે તો હું દર વર્ષે ૩૦૦ પાઉંડ કરતાં વધારે જ ખર્ચ કરાવવાનો.' મેં જવાબ આપ્યો.

'પણ અમે તમને ઓળખતા થઈ ગયા છીએ. તમારે ક્યાં તમારે સારુ પૈસા માગવા છે? તમારે રહેવાનો ખરચ તો અમારે આપવો જોઈએ ના!'

'એ તો તમારો સ્નેહ અને તાત્કાલિક ઉત્સાહ બોલાવે છે. આ જ ઉત્સાહ ને આ જ સ્નેહ સદાય ટકે એમ આપણે કેમ માની લઈએ? મારે તો તમને કોઈ વેળા કડવાં વેણ પણ કહેવાં પડે. ત્યારે પણ તમારો સ્નેહ હું જાળવી શકું કે નહીં એ તો દૈવ જાણે. પણ મૂળ વાત એ છે કે જાહેર સેવાને સારુ મારે પૈસા ન જ લેવા. તમે બધાં તમારું વકીલકામ મને આપવા બંધાઓ એટલું મારે સારુ બસ છે. આટલું પણ તમને કદાચ ભારે પડે. હું કોઈ ગોરો બારિસ્ટર નથી. કોર્ટ મને દાદ આપે કે નહીં એ હું શું જાણું? મને વકીલાત કરતાં કેવું આવડશે તે પણ હું ન જાણું. એટલે મને પહેલેથી વકીલફી આપો એ તો કેવળ મારી જાહેર સેવાને લીધે જ ગણાય ના?'

આમ ચર્ચા કરતાં છેવટ એ આવ્યું કે વીસેક વેપારીઓએ મને એક વર્ષનું વર્ષાસન બાંધી આપ્યું. તે ઉપરાંત દાદા અબદુલ્લા મને વિદાયગીરી વખતે ભેટ આપવાના હતા તેને બદલે તેમણે મને જોઈતું ફર્નિચર લઈ આપ્યું ને હું નાતાલમાં રહ્યો.