પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮. કાળો કાંઠલો

અદાલતોનું ચિહ્ન ત્રાજવું છે. તેને ઝાલનાર એક નિષ્પક્ષપાતી, આંધળી પણ ડાહી ડોસી છે. તેને વિધિએ આંધળી ઘડી છે, જેથી તે મોં જોઈને ટીલું ન કરે, પણ જે ગુણે યોગ્ય હોય તેને જ ટીલું કરે. આથી ઊલટું, નાતાલની અદાલત પાસે તો મોં જોઈને ટીલું કરાવવા ત્યાંની વકીલ-સભા નીકળી પડી હતી. અદાલતે આ પ્રસંગે પોતાના ચિહ્નને શોભાવ્યું.

મારે વકીલાતની સનદ લેવાની હતી. મારી પાસે મુંબઈની વડી અદાલતનું પ્રમાણપત્ર હતું. વિલાયતનું મુંબઈની અદાલતે દફતરે હતું. દાખલ થવાની અરજીની સાથે સારા વર્તનનાં બે પ્રમાણપત્રોની જરૂર ગણાતી. મેં ધાર્યું કે આ પ્રમાણપત્ર ગોરાઓનાં હશે તો ઠીક ગણાશે, તેથી અબદુલ્લા શેઠની મારફતે મારા સંબંધમાં આવેલા બે પ્રસિદ્ધ ગોરા વેપારીનાં પ્રમાણપત્રો લીધાં હતાં. અરજી કોઈ વકીલ મારફત થવી જોઈએ, ને સામાન્ય નિયમ એ હતો કે આવી અરજી એટર્ની-જનરલ વગર ફીએ કરે. મિ.એસ્કંબ એટર્ની-જનરલ હતા. અબ્દુલ્લા શેઠના તે વકીલ હતા એ તો આપણે જાણીએ છીએ. તેમને હું મળ્યો ને તેમણે ખુશીથી મારી અરજી રજૂ કરવાનું સ્વીકાર્યું.

એવામાં ઓચિંતી વકીલસભા તરફથી મને નોટિસ મળી. નોટિસમાં મારા દાખલ થવા સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. એમાં એક કારણ એ બતાવ્યું હતું કે મેં વકીલાત સારુ કરેલી અરજી સાથે અસલ પ્રમાણપત્ર જોડ્યું નહોતું. પણ વિરોધનો મુખ્ય મુદ્દો એ હતો કે, અદાલતમાં વકીલોને દાખલ કરવાના ધારા ઘડાયા ત્યારે કોઈ પણ કાળો કે પીળો માણસ અરજી કરે એવો સંભવ પણ માનવામાં ન આવેલો હોવો જોઈએ; નાતાલ ગોરાઓના સાહસથી બનેલું હતું ને તેથી તેમાં ગોરાઓને જ પ્રધાનપદ હોવું જોઈએ. જો કાળા વકીલ દાખલ થાય તો ધીમે ધીમે ગોરાઓનું પ્રધાનપદ જાય ને તેમની રક્ષાની વાડ ભાંગી પડે.

આ વિરોધની હિમાયત કરવા વકીલસભાએ એક પ્રખ્યાત વકીલને રોક્યા હતા. આ વકીલને પણ દાદા અબદુલ્લા સાથે સંબંધ હતો. તેમની મારફતે તેમણે મને બોલાવ્યો. તેમણે મારી સાથે નિખાલસપણે વાત કરી.