પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. જો તેણે જૂઠા સોગંદ ખાધા હશે તો તેના ઉપર જૂઠા સોગનની ફોજદારી ચાલી શકશે ને તેનું નામ વકીલોમાંથી બાતલ થશે. અદાલતના ધારાઓમાં કાળાધોળાનો ભેદ નથી. અમને મિ.ગાંધીને વકીલાત કરતાં રોકવાનો અધિકાર નથી. અરજી મંજૂર કરવામાં આવે છે. મિ.ગાંધી, તમે સોગન લઈ શકો છો.'

હું ઉઠ્યો. રજિસ્ટ્રાર આગળ સોગન લીધા. લીધા કે તરત વડા જડજે કહ્યું, 'હવે તમારે તમારી પાઘડી ઉતારવી જોઈએ. વકીલ તરીકે વકીલોને લગતો પોશાક વિષેનો અદાલતી નિયમ તમારે પણ પાળવો રહ્યો છે!'

હું મારી મર્યાદા સમજ્યો. ડરબનના મેજિસ્ટ્રેટની કચેરીમાં જે પાઘડી પહેરી રાખવાનો મેં આગ્રહ રાખ્યો હતો તે મેં અહીં ઉતારી. ઉતારવાની સામે દલીલ તો હતી જ. પણ મારે તો મોટી લડતો લડવી હતી. પાઘડી પહેરી રાખવાની હઠ કરવામાં મારી લડવાની કળાની સમાપ્તિ નહોતી. કદાચ તેને ઝાંખપ લાગત.

અબદુલ્લા શેઠ અને બીજા મિત્રોને મારી નરમાશ (કે નબળાઈ?) ન ગમી. મારે વકીલ તરીકે પણ પાઘડી પહેરી રાખવાનો આગ્રહ રાખવો જોઈતો હતો એમ તેમને લાગ્યું. મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો. 'દેશ તેવો વેશ' એ કહેવતનું રહસ્ય સમજાવ્યું. હિંદુસ્તાનમાં પાઘડી ઉતારવાની ફરજ ગોરા અમલદાર કે જડજ પાડે તો તેની સામે થવાય. નાતાલ જેવા દેશમાં અને તે અદાલતના એક હોદ્દેદાર તરીકે મને અદાલતના રિવાજનો એવો વિરોધ કરવો શોભે નહીં.

આ અને આવી દલીલોથી મિત્રોને કંઈક શાંત તો કર્યા, પણ હું નથી માનતો કે એક જ વસ્તુને જુદા સંજોગોમાં જુદી રીતે જોવાની યોગ્યતા, આ પ્રસંગે, હું તેઓને સંતોષ વળે તેમ ઠસાવી શક્યો. પણ મારા જીવનમાં આગ્રહ અને અનાગ્રહ હંમેશાં સાથે સાથે જ ચાલતા આવ્યા છે. સત્યાગ્રહમાં આ અનિવાર્ય છે એમ મેં પાછળથી અનેક વેળા અનુભવ્યું છે. આ સમાધાનવૃત્તિને સારુ મારે જીવનું જોખમ અને મિત્રોનો અસંતોષ ઘણી વેળા ખેડવાં પડ્યાં છે. પણ સત્ય વજ્ર જેવું કઠણ છે ને કમળ જેવું કોમળ છે.

વકીલસભાના વિરોધે દક્ષિણ આફ્રિકામાં મારી બીજી જાહેરખબરની