પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારું ગાડું રોડવ્યું. એક પાઉન્ડવાળાની સંખ્યા ઠીક થઈ. દશ શિલિંગવાળા તેથી વધારે. આ ઉપરાંત સભ્ય થયા વિના ભેટ તરીકે તો હરકોઈ ઈચ્છા પ્રમાણે આપે તે લેવાનું હતું.

અનુભવે જોયું તો કોઈ ઉઘરાણી કર્યા વિના લવાજમ ભરે તેમ ન હતું. ડરબન બહારનાને ત્યાં વખતોવખત જવું અસંભવિત હતું. 'આરંભે શૂરા'નો દોષ તુરત પ્રગટ થયો. ડરબનમાં પણ ઘણા ફેરા ખવાય ત્યારે પૈસા મળે. હું મંત્રી હતો. પૈસા ઉઘરાવી લેવાનો બોજો મારે માથે હતો. મારે મારા મહેતાને લગભગ આખો દહાડો ઉઘરાણાના કામમાં જ રોકવાનો પ્રસંગ આવી પડ્યો. મહેતો પણ કાયર થયો. મને લાગ્યું કે માસિક નહીં પણ વાર્ષિક લવાજમ હોવું જોઈએ ને તે સહુએ અગાઉથી જ આપવું જોઈએ. સભાબોલાવી. સહુએ સૂચના વધાવી લીધી ને ઓછામાં ઓછા ત્રણ પાઉન્ડ વાર્ષિક લવાજમ લેવાનું કર્યું ને તે ઉઘરાણાનું કામ સરળ થયું.

આરંભમાં જ મેં શીખી લીધું હતું કે જાહેર કામ કદી કરજ કરીને કરવું નહીં. લોકોનો બીજાં કામો વિશે ભલે વિશ્વાસ કરાય, પણ પૈસાના વાયદાનો વિશ્વાસ ન કરાય. ભરાવેલી રકમ આપવાનો ધર્મ લોકો ક્યાંયે નિયમિત રીતે પાળતા નથી એમ મેં જોઈ લીધું હતું. નાતાલના હિંદીઓ અપવાદરૂપે નહોતા. તેથી 'નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસે' કદી કરજ કરી કામ કર્યું જ નથી.

સભ્યો બનાવવામાં સાથીઓએ અસીમ ઉત્સાહ બતાવ્યો હતો. તેમાં તેમને રસ આવતો હતો. તેમાં અમૂલ્ય અનુભવ મળતો હતો. ઘણા લોકો રાજી થઈ નામ નોંધાવતા અને તુરત પૈસા આપી દેતા. દૂર દૂરનાં ગામોમાં જરા મુશ્કેલી આવતી. જાહેર કામ શું તે લોકો નહોતા સમજતા. ઘણી જગ્યાએ તો લોકો પોતાને ત્યાં આવવાનાં આમંત્રણ મોકલે, અગ્રેસર વેપારીને ત્યાં ઉતારો ગોઠવે. પણ આ મુસાફરીઓમાં એક જગ્યાએ આરંભમાં જ અમને મુશ્કેલી આવી. ત્યાં છ પાઉન્ડ મળવા જોઈતા હતા, પણ તે વેપારી ત્રણથી આગળ ન જ વધે. જો તેટલા લેવાય તો બીજાઓ પાસેથી વધુ ન મળે. ઉતારો તેમને ત્યાં જ હતો. અમે બધા ભુખ્યા હતા પણ લવાજમ ન મળે ત્યાં લગી ખવાય કેમ ? આ ભાઈને ખૂબ વીનવ્યા. એકના બે થાય નહીં. ગામના બીજા વેપારીઓએ પણ