પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેણે પણ સંમત થવાનું કબૂલ કર્યું, પણ એ શરતે કે બાલાસુંદરમને સારુ નવો શેઠ મારે શોધી કાઢવો.

મારે નવો અંગ્રેજ માલિક શોધવાનો હતો. હિંદીઓને ગિરમીટિયા રાખવા નહોતા દેતા. હું હજુ થોડા જ અંગ્રેજોને ઓળખતો હતો. તેમાંન એકને મળ્યો. તેમણે મારા ઉપર મહેરબાની કરી બાલાસુંદરમને રાખવાનું સ્વીકાર્યું. મેં મહેરબાનીનો સ્વીકાર કર્યો. મૅજિસ્ટ્રેટે માલિકને ગુનેગાર ઠરાવી તેણે બાલસુંદરમની ગિરમીટ બીજાને નામે ચડાવી આપવા કબૂલ્યાની નોંધ કરી.

બાલાસુંદરમના કેસની વાત ગિરમીટિયામાં ચોમેર ફેલાઈ ને હું તેમનો બંધુ ઠર્યો. મને આ વાત ગમી. મારી ઑફિસે ગિરમીટિયાઓની સેર શરૂ થઈ ને તેમનાં સુખદુ:ખ જાણવાની મને ભારે સગવડ મળી.

બાલાસુંદરમના કેસના ભણકારા છેક મદ્રાસ ઈલાકા સુધી સંભળાયા. એ ઇલાકાના જે જે પ્રદેશોમાંથી લોકો નાતાલની ગિરમીટમાં જતા તેમને ગિરમીટિયાઓએ જ આ કેસની જાણ કરી. કેસમાં એવું મહત્ત્વ નહોતું, પણ લોકોને નવાઈ લાગી કે તેમને સારુ જાહેર રીતે કામ કરનાર કોઈ નીકળી પડયું છે. આ વાતની તેમને હૂંફ મળી.

હું ઉપર જણાવી ગયો કે બાલાસુંદરમ પોતાનો ફેંટો ઉતારી તે પોતાના હાથમાં રાખી દાખલ થયો હતો. આ વાતમાં બહુ કરુણ રસ ભર્યો છે; તેમાં આપણી નામોશી ભરેલી છે. મારી પાઘડી ઉતારવાનો કિસ્સો તો આપણે જોઇ ગયા. ગિરમીટિયા તેમ જ બીજા અજાણ્યા હિંદી કોઇ પણ ગોરાને ત્યાં દાખલ થાય ત્યારે તેના માનાર્થે પાઘડી ઉતારે- પછી તે ટોપી હો કે બાંધેલી પાઘડી હો કે વીંટાળેલો ફેંટો. બે હાથે સલામ ભરે તે બસ ન થાય. બાલાસુંદરમે વિચાર્યું કે મારી આગળ પણ તેમ જ અવાય. મારી સામે બાલાસુંદરમનું આ દ્રશ્ય એ પહેલો અનુભવ હતો, હું શરમાયો. મેં બાલાસુંદરમને ફેંટો બાંધવા કહ્યું. બહુ સંકોચથી તેણે ફેંટો બાંધ્યો. પણ તેથી તેને થયેલી ખુશાલી હું વરતી શક્યો. બીજાને નામોશ કરી મનુષ્યો પોતે કેમ માન માની શકતાં હશે એ કોયડો હજુ લગી હું ઉકેલી નથી શક્યો.