પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૧. ત્રણ પાઉંડનો કર

બાલાસુંદરમના કિસ્સાને મને ગિરમીટિયા હિંદીઓના સંબંધમાં જોડ્યો. પણ તેમના ઉપર કર નાંખવાની જે હિલચાલ ચાલી તેને પરિણામે મારે તેમની સ્થિતિનો ઊંડો અભ્યાસ કરવો પડ્યો.

આ ૧૮૯૪ની સાલમાં ગિરમીટિયા હિંદીઓ ઉપર દર વર્ષે પાઉંડ ૨૫નો, એટલે રૂ. ૩૭૫નો કર નાંખવાનો ખરડો નાતાલની સરકારે તૈયાર કર્યો. આ ખરડો વાંચીને હું તો દિડ્મૂઢ જ બની ગયો. મે તે સ્થાનિક કોંગ્રેસ પાસે રજૂ કર્યો; કોંગ્રેસે તે બાબત જે હિલચાલ કરવી જોઈએ તે કરવાનો ઠરાવ કર્યો.

આ કરની હકીકત થોડી સમજીએ.

સુમારે ૧૮૬૦માં જ્યારે નાતાલમાં શેરડીનો સારો પાક થઈ શકે એમ છે એવું ત્યાં વસતા ગોરાઓએ જોયું ત્યારે તેમણે મજૂરોની ખોજ કરવા માંડી. મજૂર ન મળે તો શેરડી પાકે નહીં, સાકરખાંડ થાય નહીં. નાતાલના હબસીઓ આ મજૂરી કરે તેમ નહોતા. તેથી નાતાલવાસી ગોરાઓએ હિંદી સરકાર સાથે મસલત ચલાવીને હિંદી મજૂરને નાતાલ જવા દેવાની રજા મેળવી. તેમને પાંચ વર્ષ મજૂરી કરવાની બંધણી, ને પાંચ વર્ષને અંતે સ્વતંત્ર રીતે નાતાલમાં વસવાની છુટ, એવી લાલચો આપવામાં આવી હતી. તેમને જમીનની માલિકી ધરાવવાના પુરા હક પણ રાખ્યા હતા. તે વખતે ગોરાઓ ઈચ્છતા હતા કે હિંદી મજૂર પોતાનાં પાંચ વર્ષ પુરાં કર્યા પછી જમીન ખેડે ને પોતાના ઉધમનો લાભ નાતાલને આપે.

આ લાભ હિંદી મજૂરે ધાર્યા ઉપરાંત આપ્યો. શાકભાજી પુષ્કળ વાવ્યાં. હિંદુસ્તાનનાં કેટલાંક મીઠાં શાકો વાવ્યાં. જે શાક થતાં હતાં તે સોંઘાં કર્યા. હિંદુસ્તાનથી આંબો લાવીને વાવ્યો. પણ તેની સાથે તેણે તો વેપાર પણ કરવા માંડ્યો. ઘર બાંધવાને સારુ જમીનો ખરીદી ને મજૂર મટી ઘણા સારા જમીનદાર અને ઘરધણી થયા. મજૂરમાંથી થયેલા આવા ઘરધણીઓની પાછળ સ્વતંત્ર વેપારીઓ પણ આવ્યા. તેમાંના મરહૂમ શેઠ અબુબકર આમદ પ્રથમ દાખલ થનાર હતા. તેમણે પોતાનું કામ ખુબ જમાવ્યું.