પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાસેથી અને તેમના દરેક ૧૬ વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક પુત્ર ને ૧૩ અને તેથી વધુ વર્ષની ઉંમરની દરેક પુત્રી પાસેથી પણ લેવાનું ઠર્યુ. આમ પતિપત્ની અને બે બાળકોનું કુટુંબ-જેમાંથી પતિને ભાગ્યે બહુ બહુ તો માસિક ૧૪ શિલિંગ મળતા હોય,-તેની પાસેથી પાઉંડ બાર એટલે રૂ. ૧૮૦ કર લેવો એ મહા જુલમ ગણાય. આવો કર દુનિયામાં કયાંયે આવી સ્થિતિના ગરીબ માણસો પાસેથી લેવાતો નહોતો.

આ કરની સામે સખત લડત મંડાઈ. જો નાતાલ ઈંડિયન કોંગ્રેસ તરફથી મુદ્લ પોકાર ન થયો હોત તો વાઈસરોય કદાચ ૨૫ પાઉંડ પણ કબૂલ કરત. પાઉંડ ૨૫ના પાઉંડ ૩ થયા, તે પણ કોંગ્રેસની હિલચાલનો જ પ્રતાપ હોવાનો પૂરો સંભવ છે. પણ આ કલ્પનામાં મારી ભલે ભૂલ થતી હોય. એવો ભલે સંભવ હોય કે હિંદી સરકારે ૨૫ પાઉંડની વાતનો પ્રથમથી જ ઈન્કાર કર્યો હોય, ને ભલે તે કોંગ્રેસના વિરોધ વિના પણ પાઉંડ ૩નો જ કર સ્વીકારત. તોયે તે હિંદુસ્તાનના હિતનો ભંગ તો હતો જ. હિંદુસ્તાનના હિતરક્ષક તરીકે આવો અમાનુષી કર વાઈસરોયે કદી કબૂલ કરવો નહોતો જોઈતો.

પચીસના ત્રણ પાઉંડ (રૂ. ૩૭૫ના રૂ. ૪૫) થવાને સારુ કોંગ્રેસ શો જશ લે ? કોંગ્રેસ ગિરમિટિયાના હિતની પૂરી રક્ષા ન કરી શકી એ જ તેને તો સાલ્યું. ને ત્રણ પાઉંડનો કર કોઈ દિવસે તો જવો જ જોઈએ એ નિશ્ચય કોંગ્રેસે કદી જતો નહોતો કર્યો. એ નિશ્ચય પાર પડતાં ૨૦ વર્ષ વીત્યાં. તેમાં નાતાલના જ નહીં પણ આખા દક્ષિણ આફ઼્રિકાના હિંદીઓને સંડોવાવું પડ્યું. તેમાં ગોખલેને નિમિત થવું પડ્યું. તેમાં ગિરમીટિયા હિંદીઓને પૂરો ભાગ લેવો પડ્યો. તેને અંગે કેટલાંકને ગોળીબારથી મરવું પડ્યું. દશ હજારથી ઉપરાંત હિંદીઓને જેલ ભોગવવી પડે.

પણ અંતે સત્યનો જય થયો. હિંદીઓની તપશ્ચર્યામાં સત્ય મૂર્તિમંત થયું. તેને સારુ અડગ શ્રધ્ધાની, ધીરજની અને સતત પ્રવૃતિની આવશ્યકતા હતી. જો કોમ હારીને બેસી જાત, કોંગ્રેસ લડતને ભૂલી જાત, ને કરને અનિવાર્ય સમજી તેને શરણ થાત, તો એ કર આજ લગી ગિરમીટિયા હિંદીની પાસેથી લેવાતો હોત, અને એની નામોશી સ્થાનિક હિંદીઓને તેમ જ સમસ્ત હિંદુસ્તાનને લાગત.