પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયેલ ફેરફારના પ્રસ્તાવનામાં કરેલા વર્ણને મને આકર્ષ્યો, ને તેથી તે પુસ્તક પ્રત્યે મને આદર થયો. હું તે ધ્યાનપૂર્વક વાંચી ગયો. મૅક્સમૂલરનું પુસ્તક 'હિંદુસ્તાન શું શીખવે છે?' એ મેં બહુ રસપૂર્વક વાંચ્યું. થિયૉસૉફિકલ સોસાયટીએ પ્રગટ કરેલ ઉપનિષદનું ભાષાંતર વાંચ્યું. મારો હિંદુ ધર્મ પ્રત્યે આદર વધ્યો. તેની ખૂબી હું સમજવા લાગ્યો. પણ બીજા ધર્મો પ્રત્યે મને અભાવ ન થયો. વૉશિંગ્ટન અરવિંગકૃત મહમદનું ચરિત્ર અને કાર્લાઇલની મહમદસ્તુતિ વાંચ્યાં. પેગંબર પ્રત્યે મારું માન વધ્યું. 'જરથુસ્તનાં વચનો' નામનું પુસ્તક પણ વાંચ્યું.

આમ મેં જુદા જુદા સંપ્રદાયોનું ઓછુંવત્તું જ્ઞાન મેળવ્યું. આત્મનિરીક્ષણ વધ્યું. જે વાંચવું ને પસંદ કરવું તેનો અમલ કરવો એ ટેવ દૃઢ થઈ, તેથી હિંદુ ધર્મમાં સૂચવેલી પ્રાણાયામ વિષેની કેટલીક ક્રિયાઓ, જેવી હું પુસ્તકમાંથી સમજી શક્યો તેવી, મેં શરૂ કરી. પણ મારો મેળ ન જામ્યો. હું તેમાં આગળ ન વધી શક્યો. હિંદુસ્તાન પાછો જાઉં ત્યારે તેનો અભ્યાશ કોઈ શિક્ષકની દેખરેખ નીચે કરવાનો ઇરાદો રાખ્યો. તે કદી પાર ન પડી શક્યો.

ટૉક્સટૉયનાં પુસ્તકોનું વાચન વધારી મૂક્યું. તેનું 'ગૉસ્પેલ્સ ઈન બ્રીફ' (નવા કરારનો સાર), 'વૉટ ટુ ડુ' (ત્યારે શું કરીશું?) વગેરે પુસ્તકોએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી. વિશ્વપ્રેમ મનુષ્યને ક્યાં લગી લઈ જઈ શકે છે એ હું વધારે ને વધારે સમજવા લાગ્યો.

આ જ સમયે એક બીજા ખ્રિસ્તી કુટુંબ સાથે મારે સંબંધ બંધાયો. તેની ઇચ્છાથી હું વેસ્લિયન દેવળમાં દર રવિવારે જતો. ઘણે ભાગે દર રવિવારે સાંજે તેને ઘેર જમવાનું પણ મને હોય. વૅસ્લિયન દેવળની મારા ઉપર સારી અસર ન પડી. ત્યાં અપાતાં પ્રવચનો મને શુષ્ક લાગ્યાં. પ્રેક્ષકોમાં મેં ભક્તિભાવ ન ભાળ્યો. આ અગિયાર વાગ્યાની મંડળી મને ભક્તોની ન લાગી, પણ કઈંક વિનોદ કરવા ને કઈંક રિવાજને વશ થઈને આવેલા સંસારી જીવોની જણાઈ. કોઈ કોઈ વેળા આ સભામાં અનિચ્છાએ મને ઝોલાં આવતાં. હું શરમાતો. પણ મારી આસપાસના પણ કોઈને ઝોલાં ખાતા જોઉં તેથી મારી શરમ હળવી પડે. મારી આ શ્થિતિ મને ન ગમી. છેવટે મેં આ દેવળમાં જવાનું મૂકી દીધું.