પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવી ધમાલ ત્રણ વખત કરવાને બદલે એક જ વખત કરી હોય તો કેવું સારું ? ખરચ ઓછો થાય વિવાહ શોભે. કેમ કે ત્રણ વિવાહ સાથે થાય એટલે છૂટથી દ્રવ્‍ય ખરચી શકાય. પિતાશ્રી અને કાકાશ્રી વૃદ્ધ હતા. અમે તેમના છેલ્‍લા છોકરા, એટલે અમારા વિવાહ કરવાનો લહાવો લેવાની પણ વૃત્તિ ખરી. આ અને આવા વિચારોથી આ ત્રણે વિવાહ સાથે કરવાનો નિશ્ચય થયો, અને તેમાં, મેં જણાવ્‍યું તે પ્રમાણે, તૈયારીઓ અને સામગ્રીઓ તો કેટલા માસ થયાં ચાલી રહેલી.

અમે ભાઈઓએ તો કેવળ તૈયારીઓથી જ જાણ્‍યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો, સારાં કપડાં પહેરશું, વાજાં વાગશે, ફુલેકાં ચડશે, સારાં ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું, વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્‍મરણ નથી. વિષય ભોગવવાની વૃતિ તો પાછળથી આવી. તે કેમ આવી તે હું વર્ણવી શકું છું, પણ એવી જિજ્ઞાસા વાંચનારે ન રાખવી. આ મારી શરમ ઉપર હું પડદો નાખવા ધારું છું. કેટલુંક જે જણાવવા જેવું છે તે હવે પછી આવશે. પણ એ વસ્‍તુની વિગતોને મેં જે મધ્‍યબિદું મારી નજર આગળ રાખેલું છે તેની સાથે થોડો સંબંધ છે.

અમને બે ભાઈઓને રાજકોટથી પોરબંદર લઈ જવામાં આવ્‍યાં. ત્‍યાં જે પીઠી ચોળવા ઈત્‍યાદિના વિધિ થયા એ બધું, જોકે રમૂજી છે છતાં, મૂકી દેવા યોગ્‍ય છે.

પિતાશ્રી દીવાન છતાં નોકર. વળી રાજ‍પ્રિય, એટલે વધારે પરાધીન. ઠાકોર સાહેબ છેલ્લી ઘડી સુધી જવા ન દે. છેવટે જવા દીધા ત્‍યારે ખાસ ટપ્‍પા ગોઠવ્‍યા અને બે જ દિવસ અગાઉ મોકલ્‍યા. પણ – ! પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર ૬૦ ગાઉ છે. ગાડા વાટે પાંચ દિવસનો રસ્‍તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્‍યા. છેલ્‍લી મજલમાં ટાંગો ઊંધો વળ્યો. પિતાજીને સખત વાગ્‍યું : હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ તો થયા જ. લખેલાં મુહૂર્ત કાંઈ ફરે ? હું તો વિવાહના બાળઉલ્‍લાસમાં પિતાજીનું દુઃખ ભૂલી ગયો !

પિતૃભક્ત તો ખરો જ. પણ વિષયભક્ત પણ એવો જ ના ? અહીં