પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવી શકે છે. હું બોલું તેની અસર થાય તેના કરતાં જે ખાઉં ન ખાઉં તે જોયાની અસર બાળક ઉપર ઘણી વધારે થાય. એટલે સારો રસ્તો એ છે કે મારે હવેથી તમારે ત્યાં રવિવારે ન આવવું. આપણી મિત્રતામાં તેની કશી ખલેલ નહીં આવે.'

'તમારો પાડ માનું છું,' બાઈએ રાજી થઈને ઉત્તર આપ્યો.


૨૩. ઘરકારભાર

મુંબઈમાં અને વિલાયતમાં ઘર માંડીને હું બેઠો હતો તેમાં ને નાતાલમાં ઘર માંડવું તેમાં ભેદ હતો. નાતાલમાં કેટલોક ખર્ચ કેવળ પ્રતિષ્ઠાને અર્થે રાખી રહ્યો હતો. નાતાલમાં હિંદી બારીસ્ટર તરીકે અને હિંદીઓના પ્રતિનિધિ તરીકે મારે ઠીક ખર્ચ રાખવું જોઈએ. એમ મેં માનેલું, તેથી સરસ લત્તામાં ને સારું ઘર રાખ્યું હતું. ઘરનો શણગાર પણ સારો રાખ્યો હતો. ખાવાનું સાદું પણ અંગ્રેજ મિત્રોને નોતરવાનું રહેતું, તેમ જ હિંદી સાથીઓને પણ નોતરતો, તેથી સહેજે તે ખર્ચ પણ વધ્યું.

નોકરની ભીડ તો બધે જણાય જ. કોઈને નોકર તરીકે રાખતાં મને આવડ્યું જ નથી.

મારી સાથે એક સાથી હતો. એક રસોઈયો રાખ્યો હતો. તે કુટુંબી રૂપ બન્યો. ઑફિસમાં જે મહેતા રાખ્યા હતા તેમાંથી પણ જેમને રાખી શકાય તેમને ઘરમં રાખ્યા હતા.

આ અખતરો ઠીક ફળ્યો ગણું છું. પણ તેમાંથી મને સંસારના કડવા અનુભવો પણ મળ્યા.

પેલો સાથી બહુ હોશિયાર ને મારી સમજ પ્રમાણે વધારે વફાદાર હતો. પણ હું તેને ન ઓળખી શક્યો. ઑફીસના એક મહેતાને મેં ઘરમાં રાખ્યા હતા, તેની આ સાથીને અદેખાઈ થઈ. તેણે એવી જાળ રચી કે જેથી હું મહેતા ઉપર શક લાવું. આ મહેતા બહુ સ્વતંત્ર સ્વભાવના હતા. તેમણે ઘર અને ઑફિસ બંને છોડ્યાં. મને દુઃખ થયું. તેમને અન્યાય થયો હશે તો? આ વિચાર મને કોરી રહ્યો હતો.

તેવામાં જે રસોઈયાને મેં રાખ્યો હતો તેને કંઈ કારણસર બીજે જવું પડ્યું. મં તેને મિત્રની સારવારને સારુ રાખ્યો હતો. એટલે તેને બદલે