પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજા રસોઈયાને રોક્યો. આ માણસ ઊડતાં પંખી પાડનાર હતો એમ મેં પાછળથી જોયું. પણ, મને કેમ જાણે તેવાની જ જરૂર ન હોય તેમ તે મને ઉપયોગી થઈ પડ્યો.

આ રસોઈયાને રાખ્યાને બે કે ત્રણ દિવસ ભાગ્યે થયા હશે, તેવામાં તેણે મારા ઘરમાં મારી જાણ બહાર ચાલતો સડો જોઈ લીધો ને મને ચેતવવાનો નોશ્ચય કર્યો. હું વિશ્વાસશીલ અને પ્રમાણમાં સારો છું એવી માન્યતા લોકોમાં ફેલાઈ હતી. તેથી આ રસોઈયાને માર જ ઘરમાં ચાલતી ગંદકી ભયાનક જણાઈ.

હું ઑફિસેથી બપોરના ખાણાને સારુ એક વાગ્યે ઘેર જતો. બારેક વાગ્યાનો સુમાર હતો. એવામાં આ રસોઈયો હાંફતો હાંફતો આવ્યો ને મને કહ્યું, 'તમારે કંઈ જોવું હોય તો ઊભા પગે ઘેર ચાલો.'

મેં કહ્યું, 'આનો શો અર્થ? મને તારે કહેવું જોઈએ કે શું કામ છે. આવે ટાણે મારે ઘેર આવવાનું ને જોવાનું શું હોય?'

'નહીં આવો તો પસ્તાશો. હું તમને આથી વધારે કહેવા નથી માગતો,' રસોઈયો બોલ્યો.

તેને દ્રઢતાથી હું તણાયો. મારા મહેતાને સાથે લઈને હું ઘેર ગયો. રસોઈયો આગળ ચાલ્યો.

ઘેર પહોંચતા તે મને મેડી ઉપર લઈ ગયો. જે કોટડીમાં પેલો સાથી રહેતો હતો તે બતાવીને બોલ્યો, 'આ કોટડી ઉઘાડીને જુઓ.'

હું હવે સમજ્યો. મેં કોટડીનો દરવાજો ઠોક્યો.

જવાબ શેનો મળે? મેં ઘણા જોરથી દરવાજો ઠોક્યો. દીવાલ ધ્રૂજી. દરવાજો ઊઘડ્યો. અંદર એક બદચાલ ઓરત જોઈ. મેં તેને કહ્યું , 'બહેન તું તો અહીંથી ચાલી જ જા. હવે કદી ફરી આ ઘરમાં પગ ન મૂકજે.

સાથીને કહ્યું, 'આજથી તમારો ને મારો સંબંધ બંધ છે. હું ખૂબ ઠગાયો ને મૂરખ બન્યો. મારા વિશ્વાસનો આ બદલો નહોતો ઘટતો.'

સાથી વીફર્યો. મારું બધું ઉઘાડું પાડવાની મને ધમકી આપી.

'મારી પાસે કંઈ છૂપું છે જ નહીં. મેં જે કંઈ કર્યું હોય તે તમે સુખે થી જાહેર કરજો. પણ તમારી સાથેનો સંબંધ બંધ છે.'

સાથી વધારે તપ્યો. મેં નીચે ઊભેલા મહેતાને કહ્યું, 'તમે જાઓ,