પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં આગ્રહ ન કર્યો.

પેલા મહેતાની ઉપર શક ઉપજાવનાર આ સાથી જ હતો એ મને હવે જણાયું. તેને ન્યાય દેવા મેં બહુ પ્રયત્ન કર્યો. પણ હું કદી તેને સંપૂર્ણ સંતોષ ન આપી શક્યો. એ મને સદાય દુઃખની વાત રહી. તૂટ્યું વાસણ ગમે તેવું મજબૂત સાંધો છતાં તે સાંધેલું જ ગણાશે, આખું કદી નહીં થાય.


૨૪. દેશ ભણી

હવે હું દક્ષિણ આફ્રિકામાં ત્રણ વરસ રહી ચૂક્યો હતો. લોકોને હું ઓળખતો થયો હતો. તેઓ મને ઓળખતા થયા હતા. સને ૧૮૯૬ની સાલમાં મેં છ માસને સારુ દેશ જવાની પરવાનગી માગી. મેં જોયું કે મારે દક્ષિણ આફ્રિકામાં લાંબી મુદ્દત રહેવું જોઈશે. મારી વકીલાત ઠીક ચાલતી હતી એમ કહેવાય. જાહેર કામમાં મારી હાજરીની જરૂર લોકો જોતા હતા. હું પણ જોતો હતો. તેથી મેં દક્ષિણ આફ્રિકામાં કુટુંબ સહિત રહેવાનો નિશ્ચય કર્યો અને તે સારુ દેશ જઈ આવવું દુરસ્ત ધાર્યું. વળી, જો દેશ જાઉં તો કંઈક જાહેર કામ થઈ શકે એમ મેં જોયું. દેશમાં લોકમત કેળવી આ પ્રશ્નમાં વધારે રસ ઉત્પન્ન કરાય એમ જણાયું. ત્રણ પાઉંડનો કર ભરનીંગળ હતું. તે નાબૂદ ન થાય ત્યાં લગી શાંતિ હોય નહીં.

પણ જો હું દેશ જાઉં તો કૉંગ્રેસનું ને કેળવણીમંડળનું કામ કોણ ઉપાડે? બે સાથીઓ ઉપર દ્રષ્ટિ પડી : આદમજી મિયાંખાન અને પારસી રુસ્તમજી. વેપારીવર્ગમાંથી ઘણા કામ કરનાર તરી આવ્યા હતા. પણ મંત્રીનું કામ ઉપાડે એવા, નિયમિત કામ કરવાવાળા, અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા હિંદીઓનું મન હરણ કરનારા આ બે પ્રથમ પંક્તિમાં મૂકી શકાય તેવા હતા. મંત્રીને સામાન્ય અંગ્રેજી જ્ઞાનની જરૂર તો હતી જ. આ બે માંથી મરહૂમ આદમજી મિયાંખાનને મંત્રીપદ આપવાની ભલામણ કૉંગ્રેસને કરી ને તે કબૂલ રહી. અનુભવે આ પસંદગી ઘણી સરસ નીવડી. ખંત, ઉદારતા, મીઠાશ ને વિવેકથી શેઠ આદમજી મિંયાખાને સહુને સંતોષ્યા; ને સહુને વિશ્વાસ આવ્યો કે મંત્રીનું કામ કરવાને સારુ વકીલબારિસ્ટરની કે ડિગ્રી લીધેલા બહુ અંગ્રેજી ભણેલાની જરૂર નહોતી.