પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮૯૬ના મધ્યમાં હું દેશ જવા 'પોંગોલા' સ્ટીમરમાં ઊપડ્યો. આ સ્ટીમર કલકત્તે જનારી હતી.

સ્ટીમરમાં ઉતારુ ઘણા હતા. બે અંગ્રેજ ઑફિસર હતા. તેમની સાથે મને સોબત થઈ. એકની સાથે હંમેશા એક કલાક શતરંજ રમવામાં ગાળતો. સ્ટીમરમાં દાક્તરે મને એક 'તામિલશિક્ષક' આપ્યું. એટલે મેં તેનો અભ્યાસ શરૂ કર્યો.

નાતાલમાં મેં જોયું હતું કે મારે મુસલમાનોની સાથે વધારે નિકટ સંબંધમાં આવવા સારુ ઉર્દૂ શીખવું જોઈએ, ને મદ્રાસી હિંદીઓની સાથે તેવો સંબંધ બાંધવા સારુ તામિલ શીખવું જોઈએ.

ઉર્દૂ સારુ પેલા અંગ્રેજ મિત્રની માગણીથી મેં ડેકના ઉતારુઓમાંથી એક સુંદર મુનશી શોધી કાઢ્યો ને અમારો અભ્યાસ સરસ ચાલ્યો. અંગ્રેજ અમલદાર પોતાની યાદશક્તિમાં મારાથી ચડી જતો હતો. ઉર્દૂ અક્ષરો ઉકેલતાં મને મુસીબત આવતી, પણ તે તો એક વખત શબ્દ જુએ પછી ભૂલે નહીં. મેં મારો ઉદ્યમ વધાર્યો. પણ હું તેને ન પહોંચી શક્યો.

તામિલ અભ્યાસ પણ ઠીક ચાલ્યો. તેમાં મદદ નહોતી મળી શકતી. પુસ્તક પણ એવી રેતી લખાયું હતું કે મદદની જરૂર બહુ ન પડે.

મારી ઉમેદ હતી કે આ આરંભેલો અભ્યાસ હું દેશ પહોંચ્યા પછી જારી રાખી શકીશ. પણ તે ન જ બન્યું. ૧૮૯૩ની સાલ પછીનું મારું વચન ને મારો અભ્યાસ મુખ્યત્વે તો જેલમાં જ થયાં. આ બંને ભાષાનું જ્ઞાન મેં આગળ વધાર્યું ખરું, પણ તે બધું જેલમાં જ. તામિલનું દક્ષિણ આફ્રિકાની જેલમાં ને ઉર્દૂનું યેરવડામાં. પણ તામિલ બોલતાં કદી ન શીખ્યો, ને વાંચતા ઠીક ઠીક શીખ્યો હતો તે મહાવરાને અભાવે કટાતું જાય છે. આ અભાવનું દુઃખ હજુ સાલે છે. દક્ષિણ આફ્રિકાના મદ્રાસી હિંદીઓ પાસેથી મેં પ્રેમરસના કૂંડા પીધાં છે. તેમનું સ્મરણ મને પ્રતિક્ષણ રહે છે. તેમની શ્રદ્ધા, તેમનો ઉદ્યોગ, તેમનામાંના ઘણાનો નિસ્વાર્થ ત્યાગ, કોઈ પણ તામિલ તેલુગુને હું જોઉં છું ત્યારે મને યાદ આવ્યા વિના રહેતો નથી. અને આ બધા લગભગ નિરક્ષર ગણાય. જેવા પુરુષો તેવી સ્ત્રીઓ હતી. દક્ષિણ આફ્રિકાની લડાઈ જ નિરક્ષરોની હતી, ને તેમાં નિરક્ષર લડવૈયા હતા, - ગરીબોની હતી, ને ગરીબો તેમાં ઝૂઝ્યા.