પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૫. હિંદુસ્તાનમાં

કલકત્તેથી મુંબઈ જતાં પ્રયાગ વચમાં આવતું હતું. ત્યાં ટ્રેન ૪૫ મિનિટ રોકાતી હતી. તે દરમ્યાન મેં શહેરમાં જરા આંટો મારી આવવા ધાર્યું. મારે કેમિસ્ટને ત્યાંથી દવા પણ લેવી હતી. કેમિસ્ટ ઊંઘતો બહાર નીકળ્યો. દવા આપતાં ઠીક વખત લીધો. હું સ્ટેશને પહોંચ્યો તેવી જ ગાડી ચાલતી જોઈ. ભલા સ્ટેશન માસ્તરે ગાડી એક મિનિટ રોકેલી, પણ મને પાછો આવતો ન જોતાં મારો સામાન ઉતારી લેવાની તેણે કાળજી લીધી.

મેં કેલનરની હોટેલમાં ઉતારો રાખ્યો ને અહીંથી જ મારું કામ આદરવાનો નિશ્ચય કર્યો. અહીંના ’પાયોનિયર’ પત્રની ખ્યાતિ મેં સાંભળી હતી. પ્રજાની આકાંક્ષાઓ સામે તેનો વિરોધ હું જાણતો હતો. તે વેળા નાના મિ. ચેઝની અધિપતિ હતા એવો મને ખ્યાલ છે. મારે તો બધા પક્ષને મળી દરેકની મદદ મેળવવી હતી. તેથી મિ.ચેઝનીને મેં મુલાકાત સારુ ચિઠ્ઠી લખી, ટ્રેન ખોયાનું જણાવ્યું, ને વળતે દહાડે મારે પ્રયાગ છોડવાનું હતું એમ લખ્યું. જવાબમાં તેમણે મને તરત મળવા જણાવ્યું. હું રાજી થયો. તેમણે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી. હું કંઈ પણ લખું તો પોતે તેની તુરત નોંધ લેશે એમ કહ્યું, ને ઉમેર્યું :’પણ તમારી બધી માગણીનો હું સ્વીકાર કરી જ શકીશ એમ તમને નથી કહી શકતો. કૉલોનિયલ દૃષ્ટિબિંદુ પણ અમારે તો સમજવું ને જોવું જોઈએ.’

મેં ઉત્તર આપ્યો, ’તમે આ પ્રશ્નનો અભ્યાસ કરશો ને ચર્ચશો એટલું મને બસ છે. હું શુદ્ધ ન્યાય સિવાય બીજું કશું માગતો કે ઇચ્છતો નથી.’

બાકીનો દિવસ પ્રયાગના ભવ્ય ત્રિવેણીસંગમના દર્શનમાં ને મારી પાસે રહેલા કામના વિચારમાં ગાળ્યો.

આ આકસ્મિક મુલાકાતે મારા ઉપર નાતાલમાં થયેલા હુમલાનું બીજ રોપ્યું.

મુંબઈથી વગર રોકતે રાજકોટ ગયો ને એક ચોપાનિયું લખવાની તૈયારી કરી. ચોપાનિયું લખવામાં ને છાપવામાં લગભગ મહિનો થઈ ગયો. એને લીલું પૂઠું કરાવ્યું હતું. તેથી પાછળથી એ ’લીલા ચોપાનિયા’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તેમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિનો ચિતાર મેં ઇરાદાપૂર્વક