પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સામાન્ય અનુભવ એ થયો કે ધનિકવર્ગનાં પાયખાનાં વધારે ગંદાં જોવામાં આવ્યાં. તેમાં અંધારું, બદબો અને પાર વિનાની ગંદકી. બેઠક ઉપર કીડા ખદબદે. જીવતે નરકવાસમાં જ રોજ પ્રવેશ કરવા જેવું એ હતું. અમે સૂચવેલા સુધારા તદ્દન સાદા હતા. મેલું ભોંય ઉપર પડવા દેવાને બદલે કૂંડામાં પડવા દેવું. પાણી પણ જમીનમાં સોસાવાને બદલે કૂંડીમાં જાય તેમ કરવું. બેઠક અને ભંગીને આવવાની જગ્યા વચ્ચે જે દીવાલ રાખવામાં આવતી તે તોડવી કે જેથી બધો ભાગ ભંગી બરાબર સાફ કરી શકે ને પાયખાનાં પ્રમાણમાં મોટાં થઈ તેમાં હવાઅજવાળું દાખલ થાય. મોટા લોકોએ આ સુધારો દાખલ કરવામાં બહુ વાંધા ઉઠાવ્યા ને છેવટે પૂરો તો ન જ કર્યો.

કમિટીને ઢેડવાડામાં પણ જવાનું તો હતું જ. કમિટીના સભ્યોમાંથી મારી સાથે માત્ર એક જ ત્યાં આવવા તૈયાર થયા. ત્યાં જવું ને વળી પાયખાનાં તપાસવાં ? પણ મને તો ઢેડવાડો જોઈને સાનંદાશ્ચર્ય જ થયું. ઢેડવાડાની આ મારી તો જિંદગીમાં પહેલી જ મુલાકાત હતી. ઢેડ ભાઈબહેનો અમને જોઈ આશ્ચર્ય પામ્યાં. એમનાં પાયખાનાં જોવાની મેં માગણી કરી. તેમણે કહ્યું :

’અમારે ત્યાં પાયખાનાં કેવા ? અમારાં પાયખાનાં જંગલમાં. પાયખાનાં તમારે મોટાં માણસને’

’ત્યારે તમારાં ઘર અમને જોવા દેશો ?’ મેં પૂછ્યું.

’આવોની ભાઈસાહેબ. તમારી મરજીમાં આવે ત્યાં જાઓ. અમારાં ઘર એવાં જ તો.’

હું અંદર ગયો ને ઘરની તેમ જ આંગણાની સફાઈ જોઈ ખુશ થઈ ગયો. ઘરની અંદર બધું લીંપેલું જોયું. આંગણું વાળેલું, અને જે જૂજ વાસણો હતાં તે સાફ અને ચકચકિત હતાં.

એક પાયખાનાની નોંધ કર્યા વિના રહેવાય તેમ નથી. દરેક ઘરમાં મોરી તો હોય જ. તેમાં પાણી ઢોળાય ને લઘુશંકા પણ થાય. એટલે ભાગ્યે કોઈ કોટડી બદબો વિનાની હોય. પણ એક ઘરમાં તો સૂવાની કોટડીમાં મોરી અને પાયખાનું બન્ને જોયાં, અને તે બધું મેલું નળી વાટે નીચે ઊતરે. એ કોટડીમાં ઊભ્યું જાય તેમ નહોતું. તેમાં ઘરધણી કેમ