પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વિષયનો અર્થ એક ઈંદ્રિયનો વિષય ન કરાય પણ ભોગો માત્ર. માતાપિતાની ભક્તિ પાછળ સર્વ સુખનો ત્‍યાગ કરવો જોઈએ એ ભાન હવે પછી આવવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્‍છાની શીક્ષા જ ભોગવવાની હોય નહીં, તેવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્‍યો, જે મને આજ લગી સાલે છે. જ્યારે નિષ્‍કુળાનંદનું

ત્‍યાગ ન ટકે રે વૈરાગ વિના,
કરીએ કોટિ ઉપાય જી

ગાઉં છું અથવા સાંભળું છું ત્‍યારે ત્‍યારે એ અવળો અને કડવો પ્રસંગ મને યાદ આવે છે ને શરમાવે છે.

બાપે થપાટ મારીને મોઢું લાલ રાખ્‍યું. શરીરે પીડા ભોગવતાં છતાં વિવાહમાં ભાગ પૂરો લીધો. પિતાજી કયે કયે પ્રસંગે કઈ કઈ જગ્‍યાએ બેઠા હતા એ બધું મને જેવું ને તેવું હજી યાદ છે. બાળવિવાહનો વિચાર કરતાં પિતાના કાર્યની જે ટીકા મેં આજે કરી છે તે કંઈ મારા મને તે વેળા થોડી જ કરી હતી ? તે વેળા તો બધું યોગ્‍ય ને મનગમતું લાગતું હતું. પરણવાનો શોખ હતો, અને પિતાજી કરે છે એ બરાબર જ છે એમ લાગતું. તેથી તે વખતનાં સ્‍મરણો તાજાં છે.

માહ્યરે બેઠાં, ચોરીફેરાં ફર્યાં, કંસાર ખાધો ખવડાવ્‍યો. અને વરવહુ ત્‍યારથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રી ! બે નિર્દોષ બાળકોએ વગરજાણ્‍યે સંસારમાં ઝંપલાવ્‍યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્‍નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પુછ્યું હોય એવું યાદ નથી. હજી પુછાય એમ છે. પણ પૂછવાની ઈચ્‍છા સરખીયે થતી નથી. વાંચનાર એટલું જાણે કે અમે બંને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ આવે છે. એકબીજાથી શરમાંતા તો હતાં જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું ? મળેલી શિખામણ પણ મદદ શું કરે ? પણ કંઈ શીખવવું તે પડે ? જ્યાં સંસ્‍કાર બળવાન છે ત્‍યાં શિખામણ બધી મિથ્‍યા વધારો થઈ પડે છે. ધીમે ધીમે એકબીજાને ઓળખતા થયાં, બોલતાં થયાં. અમે બંને સરખી ઉંમરનાં છીએ. મેં તો ધણીપણું આદર્યું.