પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂઈ શકતા તે તો વાંચનારે વિચારી જોવું.

કમિટીએ હવેલીની પણ મુલાકાત લીધી હતી. હવેલીના મુખિયાજીની સાથે ગાંધી કુટુંબને સારો સંબંધ હતો. મુખિયાજીએ હવેલી જોવા દેવાની અને બની શકે તેટલા સુધારા કરવાની હા પાડી. તેમણે પોતે તે ભાગ કોઈ દિવસ જોયો નહોતો. હવેલીમાં જે એઠવાડ અને પત્રાવળ થાય તે પાછળ રાંઘ ઉપરથી ફેંકી દેવામાં આવતાં, ને તે ભાગ કાગડાસમડીઓનો વાસ થઈ પડ્યો હતો. પાયખાનાં તો ગંદાં હતાં જ. મુખિયાજીએ કેટલો સુધારો કર્યો એ જોવા હું ન પામ્યો. હવેલીની ગંદકી જોઈને દુઃખ તો થયું જ. જે હવેલીને આપણે પવિત્ર સ્થાન સમજીએ ત્યાં તો આરોગ્યના નિયમોનું ખૂબ પાલન થવાની આશા રખાય. સ્મૃતિકારોએ બાહ્યાંતર શૌચ ઉપર ખૂબ ભાર મૂક્યો છે એ મારા ધ્યાન બહાર ત્યારે પણ નહોતું.


૨૬. રાજનિષ્ઠા અને શુશ્રૂષા

શુધ્ધ રાજનિષ્ઠા મેં જેટલી મારે વિષે અનુભવી છે તેટલી ભાગ્યે જ બીજામાં મેં જોઈ હોય. એ રાજનિષ્ઠાનું મૂળ સત્ય ઉપરનો મારો સ્વાભાવિક પ્રેમ હતો એમ હું જોઈ શકું છું. રાજનિષ્ઠાનો કે બીજી કોઈ વસ્તુનો ડોળ મારાથી કોઈ દિવસ કરી જ નથી શકાયો. નાતાલમાં જ્યારે હું કોઈ સભામાં જતો ત્યારે ત્યાં ’ગોડ સેવ ધ કિંગ’ તો ગવાય જ. મને લાગ્યું કે મારે પણ તે ગાવું જોઈએ. બ્રિટિશ રાજનીતિમાં ખોડો ત્યારે પણ હું જોતો, છતાં એકંદરે મને તે નીતિ સારી લાગતી હતી. બ્રિટિશ અમલનું ને અમલદારોનું વલણ એકંદરે પ્રજાનું પોષક છે એમ હું ત્યારે માનતો.

દક્ષિણ આફ઼્રિકામાં ઊલટી નીતિ જોતો, રંગદ્વેષ જોતો. તે ક્ષણિક અને સ્થાનિક છે એમ માનતો. જેથી રાજનિષ્ઠામાં હું અંગ્રેજોની હરીફ઼ાઈ કરવા મથતો. ખંતથી અંગ્રેજોના રાષ્ટ્રગીત ’ગોડ સેવ ધ કિંગ’નો સૂર મેં શીખી લીધો. તે સભાઓમાં ગવાય તેમાં મારો સૂર ભેળવતો. અને જે જે પ્રસંગો આડંબર વિના વફ઼ાદારી બતાવવાના આવે તેમાં હું ભાગ લેતો.

એ રાજનિષ્ઠાને મારી જિંદગીભરમાં મેં કોઈ દિવસ વટાવી નથી. મારો અંગત લાભ સાધવાનો મને વિચાર સરખોયે નથી થયો. વફાદારીને કરજ સમજી મેં સદાયે તે અદા કરી છે.