પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે રાણીની ડાયમંડ જ્યુબિલીની તૈયારીઓ શરૂ થઈ હતી. રાજકોટમાં પણ એક સમિતિ નિમાઈ. તેમાં મને આમંત્રણ થયું. મેં તે સ્વીકાર્યુ. મને તેમાં દંભની ગંધ આવી. તેમાં દેખાવને સારુ બહુ થતું મેં જોયું. એ જોઈ મને દુ:ખ થયું. સમિતિમાં રહેવું કે નહીં એ પ્રશ્ન મારા આગળ ખડો થયો. અંતે મારા કર્તવ્યનું પાલન કરીને સંતોષ માનવાનો મેં ઠરાવ કર્યો.

વૃક્ષારોપણ કરવાની એક સૂચના હતી. આમાં હું દંભ જોઈ ગયો. વૃક્ષારોપણ કેવળ સાહેબલોકને પ્રસન્ન કરવા પૂરતું કરવાનું હતું એમ જણાયું. લોકોને મેં સમજાવવા પ્રયત્ન કર્યો કે વૃક્ષારોપણની કોઈ ફરજ નથી પાડતું, એ ભલામણરૂપે છે. વાવવાં તો દિલ કઈને વાવવાં અથવા તો મુદ્લ નહીં. મને કંઈ સ્મરણ છે કે આમ કહેતો ત્યારે લોકો મારી વાત હસી કાઢતા. મેં મારા ભાગનું ઝાડ તો બરાબર વાવ્યું, ને તે ઊછર્યુ એટલું મને યાદ છે.

’ગોડ સેવ ધ કિંગ’ હું કુટુંબનાં બાળકોને શીખવતો. મેં ટ્રેનિંગ કોલેજના વિધાર્થીઓને શીખવ્યાનું મને સ્મરણ છે. પણ તે આ જ પ્રસંગે કે સાતમા એડવર્ડના રાજ્યારોહણ પ્રસંગે એ મને બરોબર યાદ નથી. આગળ જતાં મને આ ગીત ગાવું ખટક્યું, અહિંસાના મારા વિચારો મારામાં જેમ પ્રબળ થતા ગયા તેમ મારી વાણી અને વિચારો ઉપર હું વધારે ચોકી કરવા લાગ્યો. એ ગીતમાં બે લીટી આ પણ છે:

તેના શત્રુઓનો નાશ કરજે,
તેમનાં કાવતરાને નિષ્ફળ કરજે.

આ ગાવાનું મને ખટક્યું. મારા મિત્ર ધ. બૂથને મેં મારી મુશ્કેલીની વાત કરી. તેમણે પણ કબૂલ કર્યુ કે એ ગાવું અહિંસક મનુષ્યને શોભે નહીં. શત્રુ કહેવાયા તે દગો જ કરે એમ કેમ માની લેવાય ? શત્રુ માન્યા તે ખોટા જ હોય એમ કેમ કહેવાય ? ઈશ્વરની પાસે તો ન્યાયની જ માગણી કરાય. દા. બૂથે આ દલીલ સ્વીકારી. તેમણે પોતાના સમાજમાં ગાવા સારુ નવું જ ગીત રચ્યું. દા. બૂથની વિશેષ ઓળખાણ હવે પછી કરીશું.

જેમ વફાદારીનો ગુણ મારામાં સ્વાભાવિક હતો તેમ શુશ્રુષાનો.