પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુંબઈની આ મુલાકાત દરમ્યાન મારા બનેવી જે મુંબઈમાં રહેતા તેમને હું મળવા ગયો. તે માંદા હતા. તેમની સ્થિતિ ગરીબ હતી. બહેન એકલી તેમની સારવાર કરી શકે તેમ નહોતું. માંદગી સખત હતી. મેં તેમને મારી જોડે રાજકોટ ચાલવા કહ્યું. તેઓ રાજી થયાં. બહેનબનેવીને લઈ હું રાજકોટ ગયો. માંદગી ધાર્યા કરતાં વધારે ગંભીર થઈ પડી. મેં તેમને મારી ઓરડીમાં રાખ્યા. આખો દિવસ હું તેમની પાસે જ રહેતો. રાતના પણ જાગવું પડતું. તેમની સેવા કરતાં દક્ષિણ આફ્રિકાનું કામ હું કરી રહ્યો હતો. બનેવીનો સ્વર્ગવાસ થયો. પણ તેમના છેલ્લા દિવસોમાં તેમની સેવા કરવાનો પ્રસંગ મને મળ્યો. એથી મને ભારે સંતોષ થયો.

શુશ્રૃષાના મારા આ શોખે આગળ જતાં વિશાળ સ્વરૂપ પકડ્યું. તે એટલે સુધી કે, તે કરવામાં હું મારો ધંધો છોડતો, મારી ધર્મપત્નીને રોકતો ને આખા ઘરને રોકી દેતો. આ વૃતિને મેં શોખ તરીકે ઓળખાવી છે, કેમ કે હું જોઈ શક્યો છું કે આ ગુણો જ્યારે આનંદદાયક થઈ પડે છે ત્યારે જ નભી શકે છે. તાણીતુશીને અથવા દેખાવ કે શરમને ખાતરા થાય છે ત્યારે તે માણસને કચડી નાખે છે, ને તે કરતો છતો માણસ કરમાય છે. જે સેવામાં આનંદ નથી મળતો તે નથી સેવકને ફળતી, નથી સેવ્યુને ભાવતી. જે સેવામાં આનંદ મળે છે તે સેવા આગળ એશઆરામ કે ધનોપાર્જન ઈત્યાદિ પ્રવૃતિ તુચ્છ લાગે છે.


૨૭. મુંબઈમાં સભા

બનેવીના દેહાંતને બીજે જ દિવસે મારે મુંબઈની સભાને સારુ જવાનું હતું. જાહેર સભાને સારુ ભાષણ વિચારવા જેટલો મને વખત નહોતો મળ્યો. ઉજાગરાઓનો થાક લાગ્યો હતો. સાદ ભારે થઈ ગયો હતો. ઈશ્વર જેમતેમ મને નિભાવી લેશે એમ મનમાં વિચારતો હું મુંબઈ ગયો. ભાષણ લખવાનું તો મને સ્વપ્નેય નહોતું.

સભાની તારીખને આગલે દહાડે સાંજે પાંચ વાગ્યે હુકમ પ્રમાણે હું સર ફિરોજશાની ઑફિસે હાજર થયો.

'ગાંધી, તમારું ભાષણ તૈયાર છે કે?' તેમણે પૂછ્યું.

'ના જી, મેં તો ભાષણ મોઢેથી જ કરવાનો વિચાર રાખ્યો છે,' મેં