પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવાની છે? મારે વિજ્ઞાનને લગતા શબ્દોના અર્થ કાઢવાના છે. આ તો એક જ ક્ષેત્ર. દેશની ગરીબાઈનો વિચાર કરો. દક્ષિણ આફ્રિકામાં આપણા લોકોને મુસીબત છે, પણ તેમાં તમારા જેવા ખરચાઇ જાય એ હું સહન ન કરું. આપણે જો અહીંયાં આપણા હાથમાં રાજ્યસત્તા મેળવીએ તો ત્યાં એની મેળે મદદ થઈ રહે. તમને તો હું નહીં સમજાવી શકું, પણ તમારા જેવા બીજા સેવકોને તમારો સાથ કરાવવામાં હું મદદ તો નહીં જ કરું.' આ વચન મને ન ગમ્યાં, પણ પેસ્તનજી પાદશાહને વિષે મારું માન વધ્યું. તેમનો દેશપ્રેમ-ભાષાપ્રેમ જોઈ હું મોહિત થયો. અમારી વચ્ચેની પ્રેમગાંઠ આ પ્રસંગથી વધારે સજ્જડ થઈ. તેમનું દૃષ્ટિબિંદુ હું પૂરેપૂરું સમજી શક્યો. પણ દક્ષિણ આફ્રિકાનું કામ છોડવાને બદલે તેમની દૃષ્ટિએ મારે તો એને વધારે વળગી રહેવું જોઇએ એમ મને લાગ્યું. દેશપ્રેમી એક પણ અંગને બને ત્યાં લગી જતું ન કરે, ને મારે સારુ તો ગીતાનો શ્લોક તૈયાર જ હતો:

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।। [૧]

ચડિયાતા પરધર્મ કરતાં ઊતરતો સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મોત પણ સારું, પરધર્મ એ ભયકર્તા છે.


૨૮. પૂનામાં

સર ફિરોજશાએ મારો રસ્તો સરળ કરી મૂક્યો. મુંબઈથી હું પૂના ગયો. પૂનામાં બે પક્ષ હતા એ મને ખબર હતી. મારે તો બધાની મદદ જોઈતી હતી. લોકમાન્યને મળ્યો. તેમણે કહ્યું:

'બધા પક્ષની મદદ મેળવવાનો તમારો વિચાર તદ્દન બરોબર છે. તમારા પ્રશ્નને વિષે મતભેદ ન જ હોય. પણ તમારે સારુ તટસ્થ પ્રમુખ જોઈએ. તમે પ્રોફેસર ભાંડારકરને મળો. તેઓ આજકાલ કોઈ હિલચાલમાં ભાગ નથી લેતા. પણ કદાચ આ કામને સારુ બહાર પડે. તેમને મળ્યા પછી મને પરિણામ જણાવજો. હું તમને પૂરી મદદ કરવા માગું છું. તમે

  1. ૧. અ ૩, શ્લોક ૩૫.