પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૯. 'જલદી પાછા ફરો'

મદ્રાસથી કલકત્તા ગયો. કલકત્તામાં મને મુશ્કેલીઓનો પાર ન રહ્યો. ત્યાં 'ગ્રેટ ઈસ્ટર્ન' હોટેલમાં ઊતર્યો. કોઇને ઓળખુ નહીં. હોટેલમાં 'ડેલી ટેલિગ્રાફ' ના પ્રતિનિધિ મિ. એલર થૉર્પની ઓળખ થઈ. તે રહેતા હતા બંગાળ ક્લબમાં. ત્યાં મને તેમણે નોતર્યો. તે વખતે તેમને ખબર નહોતી કે હોટેલના દીવાનખાનામાં કોઈ હિંદીને ન લઈ જઈ શકાય. પાછળથી તેમણે આ પ્રતિબંધ વિષે જાણ્યુ. તેથી તે મને પોતાની કોટડીમાં લઈ ગયા. હિંદીઓ તરફના સ્થાનિક અંગ્રેજોના આ અણગમાનો તેમને ખેદ થયો. મને દીવાનખાનામાં ન લઈ જવા સારુ માફી માગી.

'બંગાળના દેવ' સુરેન્દ્રનાથ બેનરજીને તો મળવાનું હતું જ. તેમને મળ્યો. હું મળ્યો ત્યારે તેમની આસપાસ બીજા મળનારાઓ હતા. તેમણે કહ્યુ, 'તમારા કામમાં લોકો રસ નહીં લે એવો મને ભય છે. તમે તો જુઓ છો કે અહીં જ કંઈ થોડી વિટંબણાઓ નથી. છતાં તમારે તો બને તે કરવું જ. આ કામમાં તમારે મહારાજાઓની મદદ જોઈશે. બ્રિટિશ ઈન્ડિયા એસોસિયેશનના પ્રતિનિધિઓને મળજો. રાજા સર પ્યારીમોહન મુકરજી અને મહારાજા ટાગોરને મળજો. બંને ઊદાર વૃત્તિના છે ને જાહેર કામમાં ઠીક ભાગ લે છે.' હું આ ગૃહસ્થોને મળ્યો. ત્યાં મારી ચાંચ ન બૂડી. બંનેએ કહ્યું, 'કલકત્તામાં જાહેર સભા કરવી સહેલું કામ નથી. પણ કરવી જ હોય તો ઘણો આધાર સુરેન્દ્રનાથ બેનરજી ઉપર છે.'

મારી મુશ્કેલીઓ વધતી જતી હતી. 'અમૃત બઝાર પત્રિકા'ની ઓફિસે ગયો. ત્યાં પણ જે ગૃહસ્થો મને મળ્યા તેમણે માની લીધેલું કે હું કોઈ ભમતારામ હોવો જોઈએ. 'બંગવાસી' એ તો હદ વાળી. મને એક કલાક સુધી તો બેસાડી જ મૂક્યો. બીજાઓની સાથે અધિપતિસાહેબ વાતો કરતા જાય; તેઓ જતા જાય, પણ પોતે મારી તરફ પણ ન જુએ. એક કલાક રાહ જોઈને મેં મારો પ્રશ્ન છેડયો ત્યારે તેમણે કહ્યુ, 'તમે જોતા નથી અમને કેટલું કામ પડ્યું છે ? તમારા જેવા તો ઘણા અમારે ત્યાં ચાલ્યા આવે છે. તમે વિદાય થાઓ તેમાં જ સારું છે. અમારે તમારી વાત સાંભળવી નથી.' મને ઘડીભર દુ:ખ તો થયું, પણ હું અધિપતિનું