પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લોકોના ચહેરા ઉપરથી ચિંતા દૂર થઈ ને તેની જ સાથે ઈશ્વર પણ અલોપ થઈ ગયો ! મોતનો ડર ભુલાયો તેની જ સાથે ગાનતાન, ખાનપાન શરૂ થયાં. માયાનું આવરણ પાછું ચડ્યું. નિમાજ રહી, ભજનો રહ્યાં, પણ તોફાન તાણે તેમાં જે ગાંભીર્ય દેખાયું હતું તે ગયું !

પણ આ તોફાને મને ઉતારુઓની સાથે ઓતપ્રોત કરી મૂક્યો હતો. એમ કહી શકાય કે, મને તોફાનનો ભય નહોતો અથવા તો ઓછામાં ઓછો હતો. લગભગ આવાં તોફાન મેં અગાઉ અનુભવ્યાં હતાં. મને દરિયો લાગતો નથી, ફેર આવતા નથી. તેથી હું ઉતારુઓમાં નિર્ભય થઈ ફરી શકતો હતો, તેમને આશ્વાસન આપી શકતો હતો, અને કપ્તાનના વરતારા સંભળાવતો હતો. આ સ્નેહગાંઠ મને બહુ ઉપયોગી થઈ પડી.

અમે ૧૮મી કે ૧૯મી ડિસેમ્બરે ડરબનના બારામાં લંગર કર્યું. ’નાદરી’ પણ તે જ દહાડે પહોંચી.

ખરા તોફાનનો અનુભવ તો હજુ હવે થવાનો હતો.

૨. તોફાન

અઢારમી ડિસેમ્બરની આસપાસ બંને સ્ટીમરો નાંગરી. દક્ષિણ આફ્રિકાનાં બંદરોમાં ઉતારુઓના આરોગ્યની પૂરી તપાસ થાય છે, જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે. અમે મુંબઈ છોડ્યું ત્યારે ત્યાં મરકી તો ચાલતી જ હતી. તેથી અમને કંઈક સૂતક નડવાનો ભય હતો જ. બંદરમાં નાંગર્યા પછી સ્ટીમરને પ્રથમતો પીળો વાવટો જ ચડાવવો પડે છે. દાક્તરી તપાસ પછી જ્યારે દાક્તર મુક્તિ આપે ત્યારે પીળો વાવટો ઉતરે છે ને પછી ઉતારુઓનાં સગાંસાંઈ વગેરેને સ્ટીમર ઉપર આવવાની રજા મળે છે.

આ પ્રમાણે અમારી સ્ટીમર ઉપર પણ પીળો વાવટો ફરકતો હતો. દાક્તર આવ્યા. તપાસ કરી પાંચ દિવસનું સૂતક નાંખ્યું, કેમકે મરકીનાં જંતુ ત્રેવીસ દિવસ સુધી દેખા દે છે એવી તેમની માન્યતા હતી. અને તેથી તેમણે મુંબઈ છોડ્યા પછી ત્રેવીસ દિવસ સુધી સ્ટીમરોને સૂતકમાં રાખવી એમ ઠરાવ્યું.

પણ આ સૂતકના હુકમનો હેતુ કેવળ આરોગ્ય નહોતો. અમને પાછા