પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉતારુઓના વિનોદને સારુ સ્ટીમરમાં ગમતો ગોઠવવામાં આવી હતી. નાતાલના દિવસો આવ્યા. કપ્તાને તે સમયે પહેલા વર્ગના ઉતારુઓને ખાણું આપ્યું. ઉતારુઓમાં મુખ્યત્વે તો હું અને મારું કુટુંબ જ હતાં. ખાણા પછી ભાષણો તો હોય જ. મેં પશ્ચિમના સુધારા ઉપર ભાષણ કર્યું. હું જાણતો હતો કે આ અવસર ગંભીર ભાષણનો ન હોય પણ મારાથી બીજું ભાષણ થઈ શકે એમ નહોતું. વિનોદમાં હું ભાગ લેતો હતો, પણ મારું દિલ તો ડરબનમાં ચાલી રહેલી લડતમાં જ હતું.

કેમ કે, આ હુમલામાં મધ્યબિંદુ હું હતો. મારા ઉપર બે તહોમત હતાં:

૧. મેં હિંદુસ્તાનમાં નાતાલવાસી ગોરાઓની અઘટિત નિંદા કરી હતી;
૨ હું નાતાલને હિંદીઓથી ભરી દેવા માગતો હતો. અને તેથી 'કુરલૅડ' અને 'નાદરી'માં ખાસ નાતાલમાં વસાવવા ખાતર હિંદીઓને ભરી લાવ્યો હતો.

મને મારી જવાબદારીનું ભાન હતું. મારે લીધે દાદા અબદુલ્લા ભારે નુકસાનમાં ઊતર્યા હતા. ઉતારુઓના જાન જોખમમાં હતા ને મારા કુટુંબને સાથે લાવીને તેને પણ મેં દુ:ખમાં હોમ્યું હતું.

વળી હું પોતે તદ્દન નિર્દોષ હતો. મેં કોઈને નાતાલ જવા લલચાવ્યા નહોતા. 'નાદરી'ના ઉતારુઓને હું ઓળખતો પણ નહોતો. 'કુરલૅડ'માં મારા બે ત્રણ સગાઓ ઉપરાંત સેંકડો ઉતારુઓનાં હું નામઠામ સરખાં જાણતો નહોતો. મેં હિંદુસ્તાનમાં નાતાલના અંગ્રેજો વિષે એવો એક અક્ષરે નહોતો કહ્યો કે જે હું નાતાલમાં ન કહી ચૂક્યો હોઉં, ને જે હું બોલ્યો હતો તેને સારુ મારી પાસે પુષ્કળ પુરાવા હતા.

તેથી, જે સુધારાની નાતાલના અંગ્રેજો નીપજ હતા, જેના તેઓ પ્રતિનિધિ અને હિમાયતી હતા, તે સુધારાને વિષે મને ખેદ ઊપજ્યો. હું તેનો જ વિચાર કર્યા કરતો હતો, તેથી તેના જ વિચારો મેં આ નાનકડી સભા આગળ રજૂ કર્યા ને શ્રોતાવર્ગે તે સહન કર્યા. જે ભાવથી મેં તે રજૂ કર્યા તે જ ભાવથી કપ્તાન ઇત્યાદિએ તે ઝીલ્યા. તે ઉપરથી તેઓના જીવનમાં કંઈ ફેરફાર થયો કે નહીં તે હું નથી જાણતો. પણ આ ભાષણ પછી મારે કપ્તાન તેમ જ બીજા અમલદારો જોડે સુધારા