પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિષે ઘણી વાતો થઈ. પશ્ચિમના સુધારાને મેં પ્રધાનપણે હિંસક તરીકે ઓળખાવ્યો; પૂર્વનાને અહિંસક તરીકે. પ્રશ્નકારોએ મારા સિદ્ધાંત મને જ લાગ્યુ પાડ્યા. ઘણું કરીને કપ્તાને જ પૂછ્યું:

'ગોરાઓ જેવી ધમકી આપે છે તે જ પ્રમાણે જો તેઓ તમને ઈજા કરે તો તમારા અહિંસાના સિધાંતોનો તમે કેવી રીતે અમલ કરો?'

મેં જવાબ આપ્યો: 'મારી ઉમેદ છે કે તેઓને માફ કરવાની અને તેમના ઉપર કામ ન ચલાવવાની હિંમત ને બુદ્ધિ ઈશ્વર મને આપશે. આજે પણ મને તેમના ઉપર રોષ નથી. તેઓના અજ્ઞાનનો, તેઓની સંકુચિત દૃષ્ટિનો મને ખેદ થાય છે. તેઓ જે કહી રહ્યા છે ને કરી રહ્યા છે એ યોગ્ય છે એમ તેઓ શુદ્ધ ભાવે માને છે, એવું હું માનું છું. એટલે મને રોષનું કારણ નથી.' પૂછનાર હસ્યો. મારું કહેવું તેણે કદાચ માન્યું નહીં હોય.

આમ અમારા દહાડા ગયા ને લંબાયા. સૂતક બંધ કરવાની મુદત છેવટ લગી મુકરર ન રહી. આ ખાતાના અમલદારને પૂછતાં તે કહે, 'મારી સત્તાની બહારની આ વાત છે. સરકાર મને હુકમ કરે ત્યારે હું ઊતરવા દઉં.'

છેવટે, ઉતારુઓ ઉપર અને મારા ઉપર અલ્ટીમેટમ આવ્યાં. બંનેને જીવના જોખમની ધમકી આપવામાં આવી હતી. બંનેએ નાતાલના બંદરમાં ઊતરવાના પોતાના હક વિષે લખ્યું, ને ગમે તે જોખમે હકને વળગી રહેવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો.

છેવટે, ત્રેવીસ દહાડે, એટલે કે ૧૮૯૭ના જાનેવારીની ૧૩મી તારીખે સ્ટીમરને મુક્તિ મળી ને ઉતારુઓને ઊતરવાનો હુકમ બહાર પડ્યો.

૩. કસોટી

આગબોટ ફુરજા ઉપર આવી. ઉતારુઓ ઊતર્યા. પણ મારે માટે મિ. એસ્કંબે કપ્તાનને કહેવડાવ્યું હતું: 'ગાંધીને તથા તેના કુટુંબને સાંજે ઉતારજો. તેની સામે ગોરાઓ બહુ ઉશ્કેરાઈ ગયા છે ને તેનો જાન જોખમમાં છે. ફુરજાના સુપરિન્ટેન્ડેન્ટ ટૅટમ તેને સાંજે તેડી જશે.'

કપ્તાને આ સંદેશાની મને ખબર આપી, મેં તે મુજબ કરવાનું કબૂલ કર્યું. પણ આ સંદેશો મળ્યાને અર્ધો કલાપ પણ નહીં થયો હોય તેવામાં મિ.