પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લૉટન આવ્યા ને કપ્તાનને મળી તેને કહ્યું, 'જો મિ. ગાંધી મારી સાથે આવે તો હું તેમને મારે જોખમે લઈ જવા ઈચ્છું છું. સ્ટીમરના એજન્ટના વકીલ તરીકે હું તમને કહું છું કે , મિ. ગાંધીને લગતો જે સંદેશો તમને મળ્યો છે તે બાબતમાં તમે મુક્ત છો.' કપ્તાનની સાથે આમ વાતચીત કરી પોતે મારી પાસે આવ્યા ને મને કઈંક આ પ્રમાણે કહ્યું : 'જો તમને જિંદગીનો ડર ન હોય તો હું ઈચ્છું છું કે, મિસિસ ગાંધી અને બાળકો ગાડીમાં રુસ્તમજી શેઠને ત્યાં જાય, અને તમે તથા હું સરિયામ રસ્તે થઈને ચાલતા જઈએ. તમે અંધારુ થયે છાનામાના શહેરમાં દાખલ થાઓ એ મને તો મુદ્દલ રુચતું નથી. મને લાગે છે કે તમારો વાળા સરખો વાંકો નથી થવાનો. હવે તો બધું શાંત છે, ગોરાઓ બધા વીખરાઈ ગયા છે. પણ ગમે તેમ હોય તોયે તમારાથી છૂપી રીતે તો પ્રવેશ ન જ થાય એવો મારે અભિપ્રાય છે.'

હું સંમત થયો. મારી ધર્મપત્ની ને બાળકો રુસ્તમજી શેઠને ત્યાં ગાડીમાં ગયાં ને સહીસલામત પહોંચ્યા. હું કપ્તાનની રજા લઈ મિ. લૉટનની સાથે ઊતર્યો; રુસ્તમજી શેઠનું ઘર લગભગ બે માઈલ દૂર હશે.

અમે આગબોટમાંથી ઊતર્યા તેવા જ કેટલાક છોકરાઓએ મને ઓળખી કાઢ્યો, અને 'ગાંધી, ગાંધી' એમ બૂમ પાડી. લાગલા જ બેચાર માણસો એક્ઠા થયા ને બૂમો વધી. મિ. લૉટને જોયું ટોળું વધી જશે, તેથી તેમણે રિક્ષા મંગાવી. મને તો તેમાં બેસવાનું કદી ન ગમતું. આ મારો પહેલો જ અનુભવ થવાનો હતો. પણ છોકરાઓ શાના બેસવા દે? તેમણે રિક્ષાવાળાને ધમકી આપી એટલે તે નાઠો.

અમે આગળ ચાલ્યા. ટોળું પણ વધતું ગયું. સારી પેઠે ભીડ થઈ. સૌ પહેલાં તો ટોળાએ મને મિ. લૉટનથી નોખો પાડ્યો. પછી મારા ઉપર કાંકરાના, સડેલાં ઈંડાના વરસાદ વરસ્યા. મરી પાઘડી કોઈએ ઉડાડી દીધી. લાતો શરૂ થઈ.

મને તમ્મર આવી, મેં પડખેના ઘરની જાળી પકડી શ્વાસ ખાધો. ત્યાં ઊભું રહેવાય એમ તો ન હોતું જ. તમચા પડવા લાગ્યા.

એટલામાં પોલીસના વડાની સ્ત્રી, જે મને ઓળખતી હતી, તે આ રસ્તે થઈને જતી હતી. મને જોતાં જ તે મારે પડખે આવી ઊભી, ને જોકે તડકો નહોતો છતાં પોતાની છત્રી ઉઘાડી. આથી ટોળું કંઈક નમ્યું.