પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે ઘા કરે તો મિસિસ અલેક્ઝાંડરબે બચાવીને જ કરવા રહ્યા.

દરમ્યાન કોઈ હિંદી જુવાન મારા ઉપર માર પડતો જોઈ પોલીસ થાણા પર દોડી ગયેલો. સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરે એક ટુકડી મને ઘેરી વળીને બચાવી લેવા મોકલી. તે વેળાસર પહોંચી. મારો રસ્તો પોલીસ થાણા પાસે થઈને જ જતો હતો. સુપરિન્ટેન્ડેન્ટે મને થાણામાં આશ્રય લેવા સૂચવ્યું. મેં ના પાડી, ને કહ્યું, 'જ્યારે લોકો પોતાની ભૂલ જોશે ત્યારે શાંત થશે. મને તેમની ન્યાયબુદ્ધિમાં વિશ્વાસ છે.'

ટુકડીની સાથે રહીને હું સહીસલામત પારસી રુસ્તમજીને ઘેર પહોંચ્યો. મને પીઠ પર મૂઢ ઘા પડ્યા હતા. એક જ જગ્યા એ થોડો છૂંદાયો હતો. સ્ટીમરના દાક્ટર દાદી બરજોર ત્યાં જ હાજર હતા. તેમણે મારી સારવાર સરસ કરી.

આમ અંદર શાંતિ હતી, પણ બહાર તો ગોરાઓએ ઘરને ઘેર્યું. સાંજ પડી ગઈ હતી. અંધારું થયું હતું. હજારો લોકો બહાર કિકિયારીઓ કરતા હતા, ને 'અમને ગાંધી સોંપી દો.' એવી બૂમો ચાલુ રહી. સમય વરતીને સુપરિન્ટેન્ડેન્ટ એલેક્ઝાંડર ત્યાં પહોંચી ગયા હતા ને ટોળાને ધમકીથી નહીં પણ વિનોદથી વશ રાખી રહ્યા હતા.

છતાં તે ચિંતામુક્ત નહોતા. તેમણે મને આવી મતલબનો સંદેશો મોકલ્યો: ' જો તમે તમારા મિત્રના મકાનને તેમ જ માલને તથા તમારા કુટુંબને બચાવવા માગતા હો તો તમારે હું સૂચવું તે રીતે આ ઘરમાંથી છૂપી રીતે ભાગવું જોઈએ.'

એક જ દહાડે મારે એકબીજાથી ઊલટાં બે કામ કરવા વખત આવ્યો. જ્યારે જાનનો ભય માત્ર કાલ્પનિક લાગતો હતો ત્યારે મિ. લૉટને મને ઉઘાડી રીતે બહાર નીકળવાની સલાહ આપી ને મેં તે માની. જ્યારે જોખમ પ્રત્યક્ષ મારી સામે ઊભું થયું, ત્યારે બીજા મિત્રે એથી ઊલટી સલાહ આપી ને તે પણ મેં માન્ય રાખી! કોણ કહી શકે કે, હું મારા જાનના જોખમથી ડર્યો, કે મિત્રના જાનમાલના જોખમથી, કે કુટુંબના , કે ત્રણેના? કોણ નિશ્ચયપૂર્વક કહી શકે કે, મારું સ્ટીમર ઉપરથી હિંમત બતાવી ઉતરવું ને પછી જોખમની પ્રત્યક્ષ હસ્તી વેળાએ છૂપી રીતે ભાગી છૂટવું યોગ્ય હતું? પણ બનેલા બનાવોને વિષે આવી ચર્ચા જ