પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નહોતી. મારી વક્રતાનું મૂળ પ્રેમમાં હતું. મારે મારી પત્‍નીને આદર્શ સ્‍ત્રી બનાવવી હતી. એ સ્‍વચ્‍છ થાય, સ્‍વચ્‍છ રહે, હું શીખું તે શીખે, હું ભણું તે ભણે, અને અમે બંને એકબીજામાં ઓતપ્રોત રહીએ, એ ભાવના હતી.

કસ્‍તૂરબાઈને ભાવના હતી એવું મને ભાન નથી. તે નિરક્ષર હતી. સ્‍વભાવે સીધી, સ્‍વતંત્ર, મહેનતુ અને મારી સાથે તો ઓછું બોલનારી હતી. તેને પોતાના અજ્ઞાનનો અસંતોષ નહોતો. હું ભણું છું ને પોતે પણ ભણે તો સારું એવી એની ઈચ્‍છા મેં કદી મારા બચપણમાં અનુભવી નથી. એથી હું માનું છું કે મારી ભાવના એકપક્ષી હતી. મારું વિષયસુખ એક સ્‍ત્રી ઉપર જ નિર્ભર હતું અને હું તે સુખનો પ્રતિઘોષ ઈચ્‍છતો હતો. જ્યાં પ્રેમ એક પક્ષ તરફથી પણ હોય ત્‍યાં સર્વાંશે દુઃખ તો ન જ હોય.

મારે કહેવું જોઈએ કે હું મારી સ્‍ત્રી પરત્‍વે વિષયાસક્ત હતો. નિશાળમાંયે તેના વિચાર આવે, રાત્રી ક્યારે પડે અને ક્યારે અમે મળીએ એ વિચાર રહ્યા જ કરે. વિયોગ અસહ્ય હતો. મારી કેટલીક કાલીઘેલી વાતોથી હું કસ્‍તુરબાઈને જગાડ્યા જ કરું. આ આસક્તિની જ સાથે જો મારામાં કર્તવ્‍યપરાયણતા ન હોત તો રોગથી પીડાઈ મૃત્‍યુને વશ થયો હોત, અથવા આ જગતમાં વૃથા જીવી રહ્યો હોત, એમ મને ભાસે છે. સવાર થાય એટલે નિત્‍યકર્મો તો કરવાં જ જોઈએ, કોઈને છેતરી ન જ શકાય, આવા મારા વિચારોથી હું ઘણાં સંકટોમાંથી બચ્‍યો.

હું જણાવી ગયો કે કસ્‍તૂરબાઈ નિરક્ષર હતી. તેને ભણાવવાની મને ઘણી હોંશ હતી. પણ મારી વિષયવાંછના મને ભણાવવા ક્યાંથી દે ? એક તો મારે પરાણે ભણાવવું રહ્યું. તે પણ રાત્રે એકાંતે જ થઈ શકે. વડીલોને દેખતાં તો સ્‍ત્રીના ભણી જોવાય જ નહીં. વાત તો થાય જ શાની ? કાઠિયાવાડમાં લાજ કાઢવાનો નકામો અને જંગલી રિવાજ ત્‍યારે હતો; આજ પણ ઘણે ભાગે મોજૂદ છે. એટલે ભણાવવાના સંજોગો પણ મારે સારુ પ્રતિકૂળ. તેથી જુવાનીમાં મેં ભણાવવાના જેટલા પ્રયત્‍નો કર્યા તે બધા લગભગ નિષ્‍ફળ ગયા એમ મારે કબૂલ કરવું જોઈએ. જયારે હું વિષયની ઊંઘમાંથી જાગ્‍યો ત્‍યારે તો હું જાહેર જીવનમાં ઝંપલાવી ચૂકયો હતો, એટલે બહુ વખત આપી શકું એવી મારી સ્થિતિ નહોતી રહી. શિક્ષક મારફતે ભણાવવાના મારા પ્રયત્‍નો પણ નિષ્‍ફળ ગયા. પરિણામે