પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'આ બાબતમાં મારા વિચાર ઘડાઈ ગયેલા છે. મારે કોઈના ઉપર કામ નથી ચલાવવું એ નિશ્ચય છે, એટલે હું અહીં જ તમને લખી દેવા ધારું છું.'

આમ કહી મેં ઘટતો કાગળ લખી આપ્યો.


૪. શાંતિ

હુમલા પછી બેએક દહાડે જ્યારે હું મિ. એસ્કંબને મળ્યો ત્યારે હજુ પોલીસ થાણામાં જ હતો. મારી સાથે રક્ષણને અર્થે એક બે સિપાઈ રહેતા. પણ વાસ્તવિક રીતે જ્યારે મને મિ. એસ્કંબની પાસે લઈ જવામાં આવ્યો ત્યારે રક્ષણની જરૂર રહી નહોતી.

જે દહાડે હું ઊતર્યો તે જ દહાડે, એટલે પીળો વાવટો ઊતર્યો કે તુરત, 'નાતાલ ઍડવરટાઇઝર'નો પ્રતિનિધિ મને મળી ગયો હતો. તેણે મને ખૂબ પ્રશ્નો પૂછ્યા, ને તેના ઉત્તરના હું એકેએક આરોપનો જવાબ સંપૂર્ણતાએ આપી શક્યો હતો. સર ફિરોજશાના પ્રતાપે હિંદુસ્તાનમાં તે વેળા મેં લખ્યા વિના એકે ભાષણ આપ્યું નહોતું. એ બધાં મારાં ભાષણો અને લેખોનો સંગ્રહ તો મારી પાસે હતો જ. મેં તે એને આપેલાં ને સાબિત કરી દીધેલું કે, મેં હિંદુસ્તાનમાં એવી એક પણ વસ્તુ નહોતી કહી કે જે વધારે જલદ શબ્દોમાં દક્ષિણ આફ્રિકામાં ન કહી હોય. મેં એમ પણ બતાવી આપ્યું હતું કે, 'કુરલૅન્ડ' તથા 'નાદરી'ના ઉતારુઓને લાવવામાં મારો હાથ મુદ્દલ નહોતો. તેઓમાંના ઘણા તો જૂના જ હતા. ને ઘણા નાતાલમાં રહેનાંરા નહીં પણ ટ્રાન્સવાલમાં જનારા હતા. તે વેળા નાતાલમાં મંદી હતી. કમાણી ટ્રાન્સવાલમાં ઘણી વધારે હતી. તેથી વધારે હિંદીઓ ત્યાં જ જવાનું પસંદ કરતા.

આ ખુલાસાની તેમ જ હુમલો કરનારાઓ ઉપર ફરિયાદ માંડવાના મેં કરેલા ઈન્કારની અસર એટલી બધી પડી કે ગોરાઓ શરમાયા. છાંપાઓએ મને નિર્દોષ ઠરાવ્યો ને હુલ્લડ કરનારાઓને નિંદ્યા. એમ પરિણામે તો મને લાભ જ થયો. અને મારો લાભ તે કાર્યનો જ લાભ હતો. હિંદી કોમની પ્રતિષ્ઠા વધી ને મારો માર્ગ વધારે સરળ થયો.

ત્રણ કે ચાર દિવસમાં હું મારે ઘેર ગયો ને થોડા દિવસમાં થાળે પડી ગયો. મારો વકીલ તરીકેનો ધંધો પણ આ બનાવ ઉપર વધ્યો.