પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ, આમ જો હિંદીઓની પ્રતિષ્ઠા વધી તો તેમના પ્રત્યે દ્વેષ પણ વધ્યો. તેમનામાં દૃઢતાપૂર્વક લડવાની શક્તિ છે એવી ગોરાઓની ખાતરી થઈ તેની સાથે જ તેમનો ભય વધ્યો. નાતાલની ધારાસભામાં બે કાયદા દાખલ થયા, જેથી હિંદીઓની હાડમારી વધી. એકથી હિંદી વેપારીઓના ધંધાને નુક્સાન પહોંચ્યું, બીજાથી હિંદીઓની આવજા ઉપર સખત અંકુશ મુકાયો. ભાગ્યજોગે મતાધિકારની લડત વખતે ફેંસલો થઈ ગયો હતો કે, હિંદીઓની સામે હિંદીઓ તરીકે કાયદો ન હોઈ શકે, એટલે કે કાયદામાં રંગભેદ્ કે જાતિભેદ નહોવા જોઇએ. તેથી, ઉપરના બંન્ને કાયદાઓ તેમની ભાષા જોતાં તો બધાને લાગુ પડતા જણાતા હતા, પણ તેનો હેતુ કેવળ હિંદી કોમ ઉપર દાબ મૂકવાનો હતો.

આ કાયદાઓએ મારું કામ બહુ વધારી દીધું ને હિંદીઓમાં જાગૃતિ વધારી. આ કાયદાઓની ઝીણી બારીકાઈઓથી પણ કોઇ હિંદી અજાણ્યા ન રહી શકે એવી રીતે કોમને તે સમજાવવામાં આવ્યા. અને અમે તેના તરજુમા પ્રગટ કર્યા. તકરાર છેવટે વિલાયત ગઈ. પણ કાયદા નામંજૂર ન થયા.

મારો ઘણોખરો સમય જાહેર કામમાં જ જવા લાગ્યો. મનસુખલાલ નાજર, નાતાલમાં હોવાનું હું લખી ગયો છું તે, મારી સાથે રહ્યા. તેમણે જાહેર કામમાં વધારે ફાળો આપવા માંડ્યો ને મારું કામ કઈંક હળવું થયું.

મારી ગેરહાજરીમાં શેઠ આદમજી મિયાંખાને પોતાના મંત્રીપદને ખૂબ શોભાવ્યું હતું, સભ્યો વધાર્યા હતા, ને લગભગ એક હજાર પાઉંડ સ્થાનિક કૉંગ્રેસના ખજાનામાં વધાર્યા હતા. ઉતારુઓ પરના હુમલાને લીધે તેમ જ ઉપલા કાયદાઓને લીધે જે જાગૃતિ થઈ તેથી મેં એ વધારામાંયે વધારો કરવાનો વિશેષ પ્રયત્ન કર્યો, ને ખજાનામાં લગભગ ૫,૦૦૦ પાઉંડ થયા. મારો લોભ એ હતો કે જો કૉંગ્રેસને સ્થાયી ફંડ હોય, તેની જમીન લેવાય ને તેનું ભાડું આવે, તો કૉંગ્રેસ નિર્ભય બને. જાહેર સંસ્થાનો આ મારો પહેલો અનુભવ હતો. મેં મારો વિચાર સાથીઓ આગળ મૂક્યો. તેઓએ તે વધાવી લીધો. મકાનો લેવાયાં ને તે ભાડે અપાયાં. તેનાં ભાડાંમાંથી કૉંગ્રેસનું માસિક ખર્ચ તો સહેજે ચાલવા લાગ્યું. મિલકતનું મજબૂત ટ્રસ્ટ થયું. આમ આ મિલકત આજે મોજૂદ છે, પણ તે માંહોમાંહે કજિયાનું મૂળ થઈ પડેલ છે, ને મિલકતનું ભાડું આજે અદાલતમાં જમે થાય છે.