પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૫. બાળકેળવણી

સન ૧૮૨૭ના જાનેવારીમાં હું ડરબન ઊતર્યો ત્યારે મારી સાથે ત્રણ બાળક હતાં. મારો ભાણેજ દશેક વર્ષની ઉંમરનો, મારો મોટો દીકરો નવ વર્ષનો, અને બીજો દીકરો પાંચ વર્ષનો. આ બધાને ક્યાં ભણાવવા ?

ગોરાઓને સારુ જે નિશાળો હતી તેમાં હું મારા છોકરાઓને મોકલી શકતો હતો, પણ તે કેવળ મહેરબાની અને અપવાદ દાખલ. બીજાં બધાં હિંદી બાળકો ત્યાં ભણી શકે તેમ નહોતું. હિંદી બાળકોને ભણાવવા સારુ ખ્રિસ્તી મિશનની નિશાળો હતી. તેમાં હું મારાં બાળકોને મોકલવા તૈયાર નહોતો. ત્યાં અપાતી કેળવણી મને ગમતી નહોતી. ગુજરાતી દ્વારા તો ત્યાં શિક્ષણ મળે જ ક્યાંથી ? અંગ્રેજી દ્વારા જ મળે, અથવા બહુ પ્રયાસ કરીએ તો અશુદ્ધ તામિલ કે હિંદી દ્વારા. આ અને બીજી ખામીઓ હું જીરવી શકું તેમ નહોતું.

હું પોતે બાળકોને ભણાવવા થોડૉ પ્રયત્ન કરતો, પણ તે અત્યંત અનિયમિત હતો. ગુજરાતી શિક્ષક મને અનુકૂળ આવે તેવો હું ન શોધી શક્યો.

હું મૂંઝાયો. મને રુચે તેવું શિક્ષણ બાળકોને મળે એવા અંગ્રેજી શિક્ષકને સારુ મેં જાહેરખબર આપી. તેનાથી જે શિક્ષક મળી આવે તેની મારફત થોડું નિયમિત શિક્ષણ આપવું, ને બાકી મારે પંડે જેમતેમ ચલાવવું એમ ધાર્યું. એક અંગ્રેજી બાઈને સાત પાઉન્ડના પગારથી રોકી ને કંઈક આગળ ગાડું ચલાવ્યું.

મારો વ્યવહાર બાળકો સાથે કેવળ ગુજરાતીમાં જ રહેતો. તેમાંથી તેમને કંઈક ગુજરાતી મળી રહેતું. દેશ મોકલી દેવા હું તૈયાર નહોતો. મને તે વેળા પણ એમ લાગતું કે, બાળક છોકરાંઓ માબાપથી વિખૂટાં ન રહેવાં જોઈએ. જે કેળવણી બાળકો સુવ્યવસ્થિત ઘરમાં સહેજે પામે છે તે છાત્રાલયોમાં ન પામી શકે. તેથી મોટે ભાગે તેઓ મારી સાથે જ રહ્યાં. ભાણેજ અને મોટો દીકરો એ બેને થોડાક મહિના દેશમાં મેં જુદાં જુદાં છાત્રાલયોમાં મોકલેલા ખરા, પણ ત્યાંથી તેમને તુરત પાછા બોલાવી લીધા. પાછળથી મારો મોટો દીકરો, ઠીક ઉંમરે પંહોચ્યા બાદ, પોતાની