પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈચ્છાએ અમદાવાદની હાઈસ્કૂલમાં ભણવા ખાતર, દક્ષિણ આફ્રિકા છોડી આવેલો. મારા ભાણેજને હું જે આપી શક્યો હતો તેથી તેને સંતોષ હતો એવો મને ખ્યાલ છે. તે ભરજુવાનીમાં થોડા જ દિવસની માંદગી ભોગવી દેવલોક પામ્યો. બીજા ત્રણ દીકરા કદી કોઈ નિશાળે ગયા જ નથી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને અંગે મેં સ્થાપેલી શાળામાં તેઓ થોડો નિયમિત અભ્યાસ પામેલા.

મારા આ પ્રયોગો અપૂર્ણ હતા. બાળકોને હું પોતે આપવા માગતો હતો એટલો સમય નહોતો આપી શક્યો. તેથી અને બીજા અનિવાર્ય સંજોગોને લઇને હું ઈચ્છું તેવું અક્ષરજ્ઞાન હું તેમને ન આપી શક્યો. મારા બધા દીકરાઓની ઓછાવતા પ્રમાણમાં આ બાબતમાં મારી સામે ફરિયાદ પણ રહી છે. કારણ જ્યારે જ્યારે તેઓ 'બી. એ.', 'એમ. એ.' અને 'મૅટ્રિક્યુલેટ'ના પણ પ્રસંગો આવે ત્યારે પોતે નિશાળમાં ન ભણવાની ખામી જુએ.

આમ છતાં મારો પોતાનો એવો અભિપ્રાય છે કે, જે અનુભવજ્ઞાન તેઓ પામ્યા છે, માતાપિતાનો જે સહવાસ તેઓ મેળવી શક્યા છે, સ્વતંત્રતાનો જે પદાર્થપાઠ તેમને શીખવા મળ્યો છે, તે જો મેં, તેઓને ગમે તે રીતે નિશાળે મોકલવાનો આગ્રહ રાખ્યો હોત તો તેઓ ન પામત. તેઓને વિશે જે નિશ્ચિંતતા મને આજે છે તે નહોત; અને તેઓ જે સાદાઈ અને સેવાભાવ શીખ્યા છે તે, મારાથી વિખૂટા પડી વિલાયતમાં કે દક્ષિણ આફ્રિકામાં કૃત્રિમ કેળવણી પામ્યા હોત, તો ન કેળવી શકત; બલકે તેઓની કૃત્રિમ રહેણી મારા દેશકાર્યમાં મને વિઘ્નકર્તા થઈ પડત.

તેથી, જોકે હું તેઓને ઈચ્છું તેટલું અક્ષરજ્ઞાન નથી આપી શક્યો, તોપણ મારો પાછલા વર્ષોનો વિચાર કરું છું ત્યારે, તેઓના પ્રત્યેનો મારો ધર્મ મેં યથાશક્તિ નથી બજાવ્યો એવો ખ્યાલ મને નથી આવતો, નથી મને પશ્ચાતાપ થતો એથી ઊલટું, મારા મોટા દીકરાને વિશે હું જે દુખદ પરિણામ જોઉં છું તે મારા અધકચરા પૂર્વકાળનો પ્રતિધ્વનિ છે એમ મને હમેશાં ભાસ્યું છે. તે કાળે તેની ઉંમર જેને મેં દરેક રીતે મારો મૂર્છાકાળ, વૈભવકાળ માન્યો છે તેનું તેને સ્મરણ રહે, તેવડી હતી. તે કેમ માને કે તે મારો મૂર્છાકાળ હતો ? તે કાં ન માને કે, તે મારો જ્ઞાનકાળ હતો અને તે પછી થયેલાં પરિવર્તનો અયોગ્ય અને મોહજન્ય