પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતાં ? તે કાં એમ ન માને કે, તે કાળે હું જગતના ધોરી માર્ગે જતો હતો અને તેથી સુરક્ષિત હતો, અને ત્યાર પછી કરેલા ફેરફારો મારા સૂક્ષ્મ અભિમાનની અને અજ્ઞાનની નિશાની હતા ? જો મારા દીકરા બારિસ્ટર ઈત્યાદિ પદવી પામ્યા હોત તો શું ખોટું થાત ? મને તેમની પાંખ કાપવાનો શો અધિકાર હતો ? મેં કાં તેમને પદવીઓ લેવા દઈ મનગમતો જીવનમાર્ગ પસંદ કરવાની સ્થિતિમાં ન મૂક્યા ? આવી દલીલ મારા કેટલાક મિત્રોએ પણ મારી પાસે કરી છે.

મને આ દલીલમાં વજૂદ નથી લાગ્યું. હું અનેક વિદ્યાર્થીઓના પ્રસંગમાં આવ્યો છું. બીજાં બાળકો ઉપર મેં બીજા અખતરા પણ કર્યા છે અથવા કરાવવામાં હું મદદગાર થયો છું. તેનાં પરિણામો પણ મેં જોયાં છે. એવાં બાળકો અને મારા દીકરાઓ આજે એક હેડીના છે. હું નથી માનતો કે તેઓ મારા દીકરાઓ કરતાં મનુષ્યત્વમાં ચ્ડી જાય છે, અથવા તેઓની પાસેથી મારા દીકરાઓને ઝાઝું શીખવાપણું હોય.

છતાં, મારા અખતરાનું છેવટનું પરિણામ તો ભવિષ્યમાં જ જણાય. આ વિષયને અહીં ચર્ચવાનું તાત્પર્ય તો એ છે કે, મનુષ્ય જાતિની ઉત્ક્રાંતિનો અભ્યાસી, ગૃહકેળવણી અને નિશાળની કેળવણીના ભેદનું, અને પોતાની જિંદગીમાં માબાપોએ કરેલાં પરોવર્તનોની પોતાનાં બાળકો ઉપર થતી અસરનું, યત્કિંચિત્ માપ કાઢી શકે.

વળી સત્યનો પૂજારી આ અખતરામાંથી સત્યની આરાધના તેને ક્યાં સુધી લઈ જાય છે એ જોઈ શકે, અને સ્વતંત્રતા દેવીનો ઉપાસક એ દેવી કેવા ભોગો માગે છે એ જોઈ શકે, એ પણ આ પ્રકરણનું તાત્પર્ય છે. બાળકોને મારી સાથે રાખ્યા છતાં જો મેં સ્વમાન જતું કર્યું હોત, બીજાં હિંદી બાળકો ન પામી શકે તે મારાંને વિશે મારે ન ઈચ્છવું જોઈએ એ વિચારને મેં ન પોષ્યો હોત, તો હું મારા બાળકોને અક્ષરજ્ઞાન આપી શકત ખરો. પણ ત્યારે તેઓ જે સ્વતંત્રતા અને સ્વમાનનો પદાર્થપાઠ શીખ્યા તે ન શીખી શકત. અને સ્વતંત્રતા અને અક્ષરજ્ઞાન વચ્ચે જ પસંદગી રહી છે, ત્યાં કોણ કહેશે કે સ્વતંત્રતા અક્ષરજ્ઞાન કરતાં હજારગણી વધારે સારી નથી ?

જે નવજુવાનોને મેં ૧૯૨૦ની સાલમાં સ્વતંત્રતાઘાતક નિશાળો ને