પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૉલેજો છોડવાનું નિમંત્રણ કર્ય્ં, અને જેઓને મેં કહ્યું કે, સ્વતંત્રતાને ખાતર નિરક્ષર રહી જાહેર રસ્તા પર પથ્થર ફોડવા તે ગુલામીમાં રહીને અક્ષરજ્ઞાન મેળવવા કરતાં સારું છે, તેઓ હવે મારા કથનનું મૂળ કદાચ સમજી શકશે.


૬. સેવાવૃત્તિ

મારો ધંધો ઠીક ચાલતો હ્તો, પણ તેથી સંતોષ નહોતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, શારીરિક સેવાકાર્ય હોવું જોઈએ, એવી ગડમથલ મનમાં ચાલ્યા જ કરતી.

એવામાં એક દિવસ એક અપંગ, રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. તેને ખાવાનુ આપીને કાઢી મૂકતાં જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો. તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી.

પણ આમ લાંબો વખત ન ચાલી શકે. ઘરમાં હંમેશને માટે તેને રાખવાની મારી પાસે સગવડ નહોતી, મારી હિંમત નહોતી, મેં તેને ગિરમીટિયાઓને અંગે ચાલતી સરકારી ઈસ્પિતાલમાં મોકલ્યો.

પણ મને આશ્વાસન ન મળ્યું. એવું કંઈક શુશ્રૂષાનું કામ હમેશાં કરું તો કેવું સારું ! દા. બૂથ સેન્ટ એડમ્સ મિશનના ઉપરી હતા. તેઓ હંમેશા જે આવે તેને મફત દવા આપતા. બહુ ભલા અને માયાળુ હતા. પારસી રુસ્તમજીની સખાવતને લીધે દા. બૂથના હાથ નીચે એક બહુ નાની ઈસ્પિતાલ ખૂલી. આ ઈસ્પિતાલમાં નર્સ તરીકે કામ કરવાની મને પ્રબળ ઈચ્છા થઈ. તેમાં દવા આપવાને અગેં એકથી બે કલાકનું કામ રહેતું. તેને સારુ દવા બનાવી આપનાર કોઈ પગારદાર માણસની અથવા સવ્યંસેવકની જરુર હતી. આ કામ માથે લેવાનો ને તેટલો સમય મારા વખતમાંથી બચાવવાનો મેં નિશ્ચય કર્યો. મારું વકીલાતનું ઘણું કામ તો ઓફિસમાં બેઠા સલાહ આપવાનું ને દસ્તાવેજો ઘડવાનું અથવા કજિયા ચૂકવવાનું રહેતું. થોડા કેસ મૅજિસ્ટ્રેટની અદાલતમાં હોય. તેમાંના ઘણા તો બિનતકરારી હોય. આવા કેસો જ્યારે હોય ત્યારે તે મિ. ખાન, જે મારી પાછળ આવ્યા હતા અને જેઓ તે વેળા મારી સાથે જ રહેતા હતા, તેમણે ચલાવી લેવાનું માથે લીધું, ને હું આ નાનકડી ઈસ્પિતાલમાં કામ કરતો થયો.