પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રોજ સવારના ત્યાં જવાનું રહેતું. આવતાં જતાં તેમજ ઈસ્પિતાલમાં કામ કરતાં હમેશાં લગભગ બે કલાક જતા. આ કામથી મને કંઈક શાંતિ થઈ. મારું કામ દરદીનો કેસ સમજી લઈ તે દાકતરને સમજાવવાનું અને દાકતર બતાવે તે દવા તૈયાર કરી દરદીને આપવાનું હતું. આ કામથી હું દુ:ખી હિંદીઓના ગાઢ સંબંધમાં આવ્યો. તેમનામાંનો મોટો ભાગ તામિલ અથવા તેલુગુ અગર તો ઉત્તર હિંદુસ્તાની ગિરમીટીયાઓનો હોય.

આ અનુભવ મને ભવિષ્યમાં બહુ ઉપયોગી નીવડ્યો. બોઅર લડાઇ વેળા ઘાયલોની શુશ્રૂષાના કામમાં ને બીજા દરદીઓની માવજત કરવામાં મને ખૂબ ખપ લાગ્યો.

બાળકોના ઉછેરનો પ્રશ્ન તો મારી સામે હતો જ. દક્ષિણ આફ્રિકામાં મને બીજા બે પુત્રો થયા. તેમને ઉછેરીને કેમ મોટા કરવા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં મને આ કામે સારી મદદ આપી. મારો સ્વતંત્ર સ્વભાવ મને બહુ તાવતો અને હજુ તાવે છે. સુવાવડ વગેરે શાસ્ત્રીય પધ્ધતિ પ્રમાણે કરવાં એમ અમે બંનેએ નિશ્વય કર્યો હતો. તેથી, જોકે દાક્તર તેમ જ નર્સની ગોઠવણ તો હતી જ, છતાં કદાચ ખરી ઘડીએ દાકતર ન મળે ને દાઈ ભાગે તો મારા શા હાલ થાય ? દાઈ તો હિંદી જ રાખવાની હતી, શીખેલી હિંદી દાઈ હિંદુસ્તાનમાં મુશ્કેલીથી મળે તો દક્ષિણ આફ્રિકામાં તો વાત જ શી ? એટલે, મેં બાળઉછેરનો અભ્યાસ કરી લીધો. દા. ત્રિભુવનદાસનું 'માને શિખામણ' નામનું પુસ્તક વાંચ્યું. તેમાં સુધારાવધારા સાથે છેલ્લા બે બાળકોને મેં જાતે ઉછેર્યા એમ કહી શકાય. દાઇની મદદ દરેક વખતે થોડો જ સમય-બે માસથી વધારે તો નહી જ-લીધેલી; તે પણ મુખ્યત્વે ધર્મપત્નીની સેવાને ખાતર બાળકોને નવડાવવા ધોવડાવવાનું કામ શરૂઆતમાં મારે હાથે થતું.

છેલ્લા બાળકના જન્મ વખતે મારી કસોટી પૂરેપૂરી થઈ. પ્રસૂતિની વેદના એકાએક શરૂ થઈ. દાકતર ઘેર નહીં. દાઈને તેડાવવાની હતી. તે પાસે હોત તોપણ તેનાથી પ્રસવ કરાવવાનું કામ ન થઈ શકત. પ્રસવ વખતમાં બધું કાર્ય મારે હાથે જ કરવું પડ્યું. સદ્ભાગ્યે મેં આ વિષય 'માને શિખામણ'માંથી સુક્ષ્મ રીતે વાંચી લીધો હતો. તેથી મને ગભરાટ ન થયો.

મેં જોયું કે, પોતાનાં બાળકોને યોગ્ય રીતે ઉછેરવાં હોય તો મા અને