પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આજે કસ્‍તૂરબાઈની સ્થિતિ માંડ કાગળ લખી શકે ને સામાન્‍ય ગુજરાતી સમજી શકે એવી છે. જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોત તો આજે તે વિદૂષી સ્‍ત્રી હોત એવી મારી માન્‍યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઈ જ અશક્ય નથી એમ હું જાણું છું.

આમ સ્‍વસ્‍ત્રી સાથે વિષયી છતાં હું પ્રમાણમાં કેમ બચી શક્યો તેનું એક કારણ બતાવી ગયો. બીજું પણ એક નોંધવા જેવું છે. સેંકડો અનુભવોથી હું એ તારણ કાઢી શક્યો છું કે જેની નિષ્‍ઠા સાચી છે તેને પ્રભુ જ ઉગારી લે છે. હિંદુ સંસારમાં બાળલગ્‍નનો ઘાતકી રિવાજ છે, તેની જ સાથે તેમાંથી થોડી મુક્તિ મળે એવો રિવાજ પણ છે. બાળક વરવધૂને માબાપ લાંબો વખત સાથે રહેવાં દેતાં નથી. બાળસ્‍ત્રીનો અરધાથી વધારે વખત તેના પિયરમાં જાય છે. આવું જ અમારે વિશે પણ બન્‍યું. એટલે કે, ૧૩ થી ૧૯ વર્ષની ઉંમર દરમિયાન અમે છૂટક છૂટક મળી ત્રણ વર્ષથી વધારે કાળ સાથે નહીં રહ્યાં હોઈએ. છઆઠ મહિના રહીએ એટલે માબાપનું તેડું હોય જ. એ વેળા તો એ તેડું બહું વસમું લાગતું, પણ તેથી જ અમે બંને બચી ગયાં. પછી ૧૮ વર્ષની ઉંમરે તો હું વિલાયત ગયો, એટલે એ સુંદર ને લાંબો વિયોગ આવ્‍યો. વિલાયતથી આવીને પણ સાથે તો છએક માસ જ રહ્યાં હોઇશું. કેમ કે મારે રાજકોટ – મુંબઈ વચ્‍ચે આવજા થતી. તેટલામાં વળી દક્ષિ‍ણ આફ્રિકાનું તેડું આવ્‍યું. દરમિયાન હું સારી પેઠે જાગ્રત થયો હતો.


૫. હાઈસ્કૂલમાં

વિવાહ થયા ત્‍યારે હું હાઈસ્‍કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણે ભાઇ એક જ સ્‍કૂલમાં ભણતા. જ્યેષ્‍ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ગ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્‍યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારુ તો એથીયે વિષમ પરિણામ આવ્‍યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા. આવું અનિષ્‍ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્‍યાસ ને વિવાહ બેઉ એકસાથે તો હિંદુ સંસારમાં જ હોય.