પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપ બંનેએ બાળકોના ઉછેરનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ. મેં તો મારી આ વિષયની કાળજીના લાભ ડગલે ડગલે જોયા છે. જે સામાન્ય તંદુરસ્તી મારા બાળકો આજે ભોગવે છે તે જો મેં તે વિષે સામાન્ય જ્ઞાન મેળવી તેનો અમલ ન કર્યો હોત તો ન ભોગવી શકત. આપણામાં એવો વહેમ છે કે, પહેલાં પાંચ વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરમાંથી શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું. ગર્ભાધાનકાળની માતાપિતાની શારીરિક તેમ જ માનસિક સ્થિતિની અસર બાળક ઉપર પડેછે. ગર્ભકાળની માતાની પ્રકૃતિ, માતાના આહારવિહારનાં સારાં માઠા ફળનો વારસો લઈ બાળક જન્મે છે. જન્મ્યા પછી તે માતાપિતાનું અનુકરણ કરતું થઈ જાય છે. અને જાતે અપંગ હોવાથી તેના વિકાસનો આધાર માતાપિતા ઉપર રહે છે.

આ વિચારો જે સમજુ દંપતી કરશે, તે તો કદી દંપતીસંગને વિષયવાસના સંતોષવાનું સાધન નહીં બનાવે; પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારે જ સંગ કરશે. રતિસુખ એક સ્વતંત્ર વસ્તુ છે એમ માનવામાં મને તો ઘોર અજ્ઞાન જ જણાય છે. જનનક્રિયા ઉપર સંસારની હસ્તીનો આધાર છે. સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ છે. તેની સુવ્યવસ્થિત વૃધ્ધિને અર્થે જ રતિક્રિયા નિર્માયેલી છે એમ સમજનાર વિષયવાસનાને મહાપ્રયત્ને કરીને પણ રોકશે; અને રતિભોગને પરિણામે જે સંતતિ થાય તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રક્ષા કરવાને અંગે મેળવવુ જોઈએ તે જ્ઞાન મેળવશે ને તેનો ઉપયોગ પોતાની પ્રજાને આપશે.


૭. બ્રહ્મચર્ય—૧

હવે બ્રહ્મચર્ય વિષે વિચાર કરવાનો સમય આવ્યો છે. એકપત્નીવ્રતને તો વિવાહ થતાં જ મારા હ્રદયમાં સ્થાન હતું. પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું. પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્યો, એ અત્યારે મને ચોખ્ખું નથી યાદ