પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવતું. એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.

તેમની સાથેનો એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનના ગ્લૅડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતો હતો. આમની સભામાં પણ મિસિસ ગ્લૅડસ્ટન પોતાના પતિને ચા બનાવીને પાતાં; આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનનો એક નિયમ થઈ પડ્યો હતો, એ મેં ક્યાંક વાંચેલું. તે મેં કવિને વાંચી સંભળાવ્યું, ને તેને અંગે મેં દપતીપ્રેમની સ્તુતિ કરી. રાયચંદભાઈ બોલ્યા, 'એમાં તમને મહત્ત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું, કે તેનો સેવાભાવ? જો તે બાઈ ગ્લૅડસ્ટનનાં બહેન હોત તો? અથવા, તેની વફાદાર નોકર હોત ને તેટલા જ પ્રેમથી ચા આપત તો? એવી બહેનો, એવી નોકરનાં દૃષ્ટાંતો આપણને આજે નહીં મળે? અને નારીજાતિને બદલે એવો પ્રેમ નરજાતિમાં જોયો હોત તો તમને સાનંદાશ્ચર્ય ન થાત? હું કહું છું તે વિચારજો.'

રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. એ વેળા તો મને તેમનું વચન કઠોર લાગેલું એવું સ્મરણ છે. પણ તે વચને મને લોહચુંબકની જેમ પકડ્યો. પુરુષ ચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારીની કિંમત કરતાં તો હજાર ગણી ચડે. પતિપત્ની વચ્ચે ઐક્ય હોય, એટલે તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નોકરશેઠ વચ્ચે તેવો પ્રેમ કેળવવો પડે. દિવસે દિવસે કવિના વચનનું બળ મારી આગળ વધતું જણાયું.

મારે પત્નીની સાથે કેવો સંબંધ રાખવો? પત્નીને વિષયભોગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે ક્યાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષયવાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય. મારે અહીં કહેવું જોઈએ કે, અમારી વચ્ચેના સંબંધમાં કોઈ દિવસ મને પત્ની તરફથી આક્રમણ થયું જ નથી. એ દૃષ્ટિએ હું જ્યારે ઈચ્છું ત્યારે મારે સારુ બ્રહ્મચર્યનું પાલન સુલભ હતું. મારી અશક્તિ અથવા આસક્તિ જ મને રોકી રહી હતી.

હું જાગ્રત થયા પછી પણ બે વખત તો નિષ્ફળ જ ગયો. પ્રયત્ન કરું પણ પડું. પ્રયત્નમાં મુખ્ય હેતુ ઊંચો નહોતો. મુખ્ય હેતુ પ્રજોત્પત્તિ અટકાવવાનો હતો. તેના બાહ્યોપચારો વિષે કંઈક મેં વિલાયતમાં વાંચ્યું હતું. દાક્તર ઍલિન્સનના એ ઉપાયોના પ્રચારનો ઉલ્લેખ હું અન્નાહારવાળા