પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનેક વિકારોને વશ વર્તતું હતું. મેં જોયું કે વ્રતથી ન બંધાવામાં મનુષ્ય મોહમાં પડે છે. વ્રતથી બંધાવું એ વ્યભિચારમાંથી નીકળી એક પત્નીનો સંબંધ બાંધવા જેવું છે. 'હું પ્રયત્ન કરવામાં માનું છું, વ્રતથી બંધાવા નથી માગતો.' એ વચન નિર્બળતાની નિશાની છે ને તેમાં સૂક્ષ્મ રીતે ભોગની ઈચ્છા છે. જે વસ્તુ ત્યાજ્ય છે તેનો સર્વથા ત્યાગ કરવામાં હાનિ કેમ હોઈ શકે? જે સરપ મને કરડવાનો છે તેનો હું નિશ્ચયપૂર્વક ત્યાગ કરું છું, ત્યાગનો માત્ર પ્રયત્ન નથી કરતો. હું જાણું છું કે માત્ર પ્રયત્ન પર રહેવામાં મરવું રહેલું છે. પ્રયત્નમાં સરપની વિકરાળતાના સ્પષ્ટ જ્ઞાનનો અભાવ છે. તે જ પ્રમાણે, જે વસ્તુના ત્યાગનો આપણે માત્ર પ્રયત્ન કરીએ છીએ, તે વસ્તુના ત્યાગની યોગ્યતાને વિષે આપણને સ્પષ્ટ દર્શન નથી થયું એમ સિદ્ધ થાય છે. 'મારા વિચાર પાછળથી બદલાય તો?' આવી શંકા કરીને ઘણી વેળા આપણે વ્રત લેતાં ડરીએ છીએ. આ વિચારમાં સ્પષ્ટ દર્શનનો અભાવ જ છે. તેથી નિષ્કુળાનંદે કહ્યું છે કે,

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના.

જ્યાં અમુક વસ્તુને વિષે સંપૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે ત્યાં તેને વિષે વ્રત અનિવાર્ય વસ્તુ છે.


૮. બ્રહ્મચર્ય—૨

સારી પેઠે ચર્ચા કર્યા પછી અને પુખ્ત વિચારો કર્યા પછી સને ૧૯૦૬ની સાલમાં વ્રત લીધું. વ્રત લેતાં લગી મેં ધર્મપત્ની સાથે મસલત નહોતી કરી; પણ વ્રતને સમયે કરી. તેના તરફ્થી મને કશો વિરોધ ન થયો.

આ વ્રત લેતાં તો મને બહુ ભારે પડ્યું. મારી શક્તિ ઓછી હતી. વિકારોને દબાવવાનું કેમ બનશે ? સ્વપત્નીની સાથે વિકારી સંબંધનો ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું કર્તવ્ય હતું એ હું સ્પષ્ટ જોઈ શકતો હતો. મારી દાનત શુધ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું.

આજે વીસ વર્ષ પછી તે વ્રતનું સ્મરણ કરતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃતિ તો ૧૯૦૧થી પ્રબળ હતી, ને તે પાળી