પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ રહ્યો હતો; પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે ભોગવવા લાગ્યો તે સન ૧૯૦૬ પહેલાં ભોગવ્યાનું મને સ્મરણ નથી. કેમ કે, તે વખતે હું વાસનાબધ્ધ હતો, ગમે ત્યારે તેને વશ થઈ શક્તો. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ.

વળી, હવે બ્રહ્મચર્યનો મહિમા હું વધારે ને વધારે સમજવા લાગ્યો. વ્રત મેં ફિનિક્સમાં લીધું. ઘાયલોની મદદના કામમાંથી છૂટો થયે હું ફિનિક્સ ગયો હતો. ત્યાંથી મારે તુરત જોહાનિસબર્ગ જવાનું હતું. હું ત્યાં ગયો ને એક મહિનાની અંદર સત્યાગ્રહની લડતનો પાયો નંખાયો. કેમ જાણે આ બ્રહ્મચર્યનું વ્રત તેને સારુ મને તૈયાર કરવા જ આવ્યું ન હોય ! સત્યાગ્રહની કલ્પના મેં કંઈ રચી નહોતી રાખી. તેની ઉત્પતિ અનાયાસે, અનિચ્છાએ થઈ. પણ મેં જોયું કે તે અગાઉનાં મારાં બધાં પગલાં ફિનિક્સ જવું, જોહાનિસબર્ગનું મોટું ઘરખર્ચ ઓછું કરી નાખવું, અને છેવટે બ્રહ્મચર્યવ્રત લેવું-જાણે તેની તૈયારીરૂપે હતાં.

બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન એટલે બ્રહ્મદર્શન. આ જ્ઞાન મને શાસ્ત્ર મારફત નહોતું થયું. એ અર્થ મારી આગળ ધીરે ધીરે અનુભવસિધ્ધ થતો ગયો. તેને લગતાં શાસ્ત્રવાક્યો મેં પાછળથી વાંચ્યાં. બ્રહ્મચર્યમાં શરીરરક્ષણ, બુધ્ધિરક્ષણ અને આત્માનું રક્ષણ છે એ હું વ્રત પછી દિવસે દિવસે વધારે અનુભવવા લાગ્યો. કેમ કે, હવે બ્રહ્મચર્યને એક ઘોર તપશ્ચર્યારૂપ રહેવા દેવાને બદલે તેને રસમય બનાવવાનું હતું; તેની જ ઓથે નભવું રહ્યું હતું. એટલે હવે તેની ખૂબીઓનાં નિત્ય નવાં દર્શન થવા લાગ્યાં.

પણ જો આમ હું આમાંથી રસ લૂંટતો હતો તો તેની કઠિનતા નહોતો અનુભવતો એમ પણ કોઈ ન માને. આજે છપ્પન વર્ષ પૂરાં થયાં છે, ત્યારે પણ તેની કઠિનતાનો અનુભવ તો થાય જ છે. તે અસિધારાવ્રત છે એમ વધારે ને વધારે સમજું છું. નિરંતર જાગૃતિની આવશ્યકતા જોઉં છું.

બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ મેળવવો જ જોઈએ. જો સ્વાદને જિતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે એ મેં જાતે અનુભવ્યું. તેથી હવે પછીના મારા ખોરાકના પ્રયોગો કેવળ અન્નાહારની દ્રષ્ટિએ નહીં, પણ બ્રહ્મચર્યની દ્રષ્ટિએ થવા લાગ્યા. ખોરાક ઓછો, સાદો, મસાલા વિનાનો, ને કુદરતી સ્થિતિમાં ખાવો જોઈએ એ મેં પ્રયોગો કરી