પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનુભવ્યું. બ્રહ્મચારીનો ખોરાક વનપક ફ્ળ છે એમ મારે અંગે તો મેં છ વર્ષનો પ્રયોગ કરીને જોયું. જ્યારે હું સુકાં અને લીલાં વનપક ફ્ળ ઉપર જ રહેતો ત્યારે જે નિર્વિકારપણું અનુભવતો તે મેં ખોરાકમાં ફેરફાર કર્યા પછી નથી અનુભવ્યું. ફ્ળાહારને સમયે બ્રહ્મચર્ય સહજ હતું. દૂધાહારને અંગે તે કષ્ટસાધ્ય બન્યું છે. ફ્ળાહારમાંથી દૂધાહાર ઉપર કેમ જવું પડ્યું એનો વિચાર યોગ્ય સ્થળે થશે. અહીં તો એટલું જ કહેવું બસ છે કે, બ્રહ્મચારીને સારુ દૂધનો આહાર વિધ્નકર્તા છે એ વિષે મને શંકા નથી. આમાંથી કોઈ એવો અર્થ ન કાઢે કે બ્રહ્મચારીમાત્રે દૂધનો ત્યાગ કરવો ઘટે છે. ખોરાકની અસર બ્રહ્મચર્ય ઉપર કેટલી પડે છે એ વિષયને અંગે ઘણા પ્રયોગોની આવશ્યકતા છે. દૂધના જેવો સ્નાયુ બાંધનારો ને એટલી જ સહેલાઈથી પચનારો ફળાહાર હજુ મારે હાથ નથી લાગ્યો, નથી કોઈ વૈદ, હકીમ કે દાક્તર તેવાં ફળ કે અન્ન બતાવી શક્યા. તેથી, દૂધને વિકાર કરનારી વસ્તુ જાણતાં છતાં, હું તેના ત્યાગની ભલામણ હાલ કોઈને નથી કરી શક્તો.

બાહ્ય ઉપચારોમાં જેમ ખોરાકની જાતની અને પ્રમાણની મર્યાદા આવશ્યક છે તેમ જ ઉપવાસનું સમજ્વું. ઈંદ્રિયો એવી બળવાન છે કે તેને ચોમેરથી, ઉપરથી અને નીચેથી એમ દશે દિશાએથી, ઘેરવામાં આવે ત્યારે જ અંકુશમાં રહે છે. ખોરાક વિના તે કામ નથી કરી શકતી એ સહુ જાણે છે. એટલે, ઈંદ્રિયદમનના હેતુથી ઈચ્છાપૂર્વક કરેલા ઉપવાસની ઈંદ્રિયદમનમાં બહુ મદદ મળે છે, એ વિષે મને શંકા નથી. કેટલાક લોકો ઉપવાસ કરતાં છતાં નિષ્ફ્ળ જાય છે તેનું કારણ એ છે કે, ઉપવાસ જ બધું કરી શકશે એમ માની તેઓ માત્ર સ્થૂળ ઉપવાસ કરે છે ને મનથી છપ્પનભોગ આરોગે છે; ઉપવાસ દરમ્યાન, ઉપવાસ છૂટ્યે શું ખાઈશું એના વિચારોનો સ્વાદ લીધાં કરે છે, ને પછી ફરિયાદ કરે છે કે, નથી સ્વાદેંદ્રિયનો સંયમ થયો ને નથી થયો જનનેંદ્રિયનો ! ઉપવાસની ખરી ઉપયોગિતા ત્યાં જ હોય જયાં માણસનું મન પણ દેહદમનમાં સાથ આપે. એટલે કે, મનને વિષયભોગ પ્રત્યે વૈરાગ આવ્યો હોવો જોઈએ. વિષયનાં મૂળિયાં મનમાં રહેલાં છે. ઉપવાસદિ સાધનોની મદદ જોકે ઘણી છતાં પ્રમાણમાં થોડી જ હોય છે. એમ કહી શકાય કે ઉપવાસ કરતો છતો મનુષ્ય વિષયાસક્ત રહી શકે છે ખરો. પણ ઉપવાસ વિના વિષયાશક્તિનો જડમૂળથી નાશ