પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંભવતો નથી. તેથી બ્રહ્મચર્યના પાલનમાં ઉપવાસ અનિવાર્ય અંગ છે.

બ્રહ્મચર્યનો પ્રયત્ન કરનારા ઘણા નિષ્ફ્ળ જાય છે, કેમ કે તેઓ ખાવાપીવામાં, જોવા ઈત્યાદિમાં બ્રહ્મચારીની જેમ રહેવા માગતા છતાં બ્રહ્મચર્યનું પાલન ઈચ્છે છે. આ પ્રયત્ન ઉષ્ણઋતુમાં શીતઋતુનો અનુભવ લેવાના પ્રયત્ન જેવો કહેવાય. સંયમીના અને સ્વચ્છંદીના, બોગીના અને ત્યાગીના, જીવન વચ્ચે ભેદ હોવો જ જોઈએ. સામ્ય હોય છે તે ઉપરથી દેખાતું જ. ભેદ ચોખ્ખો તરી આવવો જોઈએ. આંખનો ઉપયોગ બંને કરે. પણ બ્રહ્મચારી દેવદર્શન કરે, બોગી નાટકચેટકમાં લીન રહે. બંને કાનનો ઉપયોગ કરે. પણ એક ઈશ્વરભજન સાંભળે, બીજો વિલાસી ગીતો સાંભળવામાં મોજ માણે. બંને જાગરણ કરે. પણ એક જાગ્રતાવસ્થામાં હ્દયમંદિરમાં બિરાજતા રામને વીનવે, બીજો નાચરંગની ધૂનમાં સૂવાનું ભાન ભૂલી જાય. બંને જમે. પણ એક શરીરરૂપી તીર્થક્ષેત્રને નભાવવા પૂરતું દેહને ભાડું આપે, બીજો સ્વાદને ખાતર દેહમાં અનેક વસ્તુઓ ભરી તેને દુર્ગધિત કરી મૂકે. આમ બંનેના આચારવિચારમાં ભેદ રહ્યા જ કરે; અને એ અંતર દિવસે દિવસે વધે, ઘટે નહીં.

બ્રહ્મચર્ય એટલે મનવચનકાયાથી સર્વ ઈન્દ્રિયોનો સંયમ. આ સંયમને સારુ ઉપર પ્રમાણે ત્યાગોની આવશ્યકતા છે એમ હું દિવસે દિવસે જોતો ગયો. આજે પણ જોઈ રહ્યો છું. ત્યાગના ક્ષેત્રને સીમા જ નથી, જેમ બ્રહ્મચર્યના મહિમાને નથી. આવું બ્રહ્મચર્ય અલ્પ પ્રયત્ને સાધ્ય નથી. કરોડોને સારુ તો એ હંમેશાં કેવળ આદર્શરૂપે જ રહેશે. કેમ કે, પ્રયત્નશીલ બ્રહ્મચારી પોતાની ઊણપોનું નિત્ય દર્શન કરશે, પોતાનામાં ખૂણેખોચરે છુપાઈ રહેલા વિકારોને ઓળખી લેશે, ને તેમને કાઢવા સતત પ્રયત્ન કરશે. જ્યાં લગી વિચારો ઉપર એવો કાબૂ નથી મળ્યો કે ઈચ્છા વિના એક પણ વિચાર ન આવે, ત્યાં લગી સંપૂર્ણ બ્રહ્મચર્ય નથી. વિચારમાત્ર વિકાર છે. તેને વશ કરવા એટલે મનને વશ કરવું. અને મનને વશ કરવું તે વાયુને વશ કરવા કરતાંયે કઠિન છે. આમ છતાં જો આત્મા છે, તો આ વસ્તુ પણ સાધ્ય છે જ. આપણને મુશ્કેલીઓ આવી નડે છે તેથી એ અસાધ્ય છે એમ કોઈ ન માને. એ પરમ અર્થ છે. અને પરમ અર્થને સારુ પરમ પ્રયત્નની આવશ્યક્તા હોય એમાં શું આશ્ચર્ય ?