પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આવું બ્રહ્મચર્ય કેવળ પ્રયત્નસાધ્ય નથી એ મેં દેશમાં આવીને જોયું. ત્યાં લગી હું મૂર્છામાં હતો એમ કહી શકાય. ફ્ળાહારથી વિકાર જડમૂળથી નાબૂદ થાય એમ મેં માની લીધેલું, ને હું અભિમાનથી માનતો કે હવે મારે કંઈ કરવાપણું નથી.

પણ આ વિચારના પ્રકરણને પહોંચવાને વાર છે. દરમ્યાન એટલું કહી દેવું આવશ્યક છે કે, ઈશ્વરસાક્ષાત્કાર કરવાને અર્થે મેં વ્યાખ્યા આપી છે તેવા બ્રહ્મચર્યનું જેઓ પાલન ઈચ્છે છે, તેઓ જો પોતાના પ્રયત્નની સાથે જ ઈશ્વર ઉપર શ્રધ્ધા રાખનારા હોય, તો તેમને નિરાશ થવાનું કશું કારણ નથી.

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवजै रसो प्यस्य परं दृष्ट्वा निवर्तते ।। [૧]

તેથી, રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે, એ વસ્તુનો સાક્ષાત્કાર મેં હિંદુસ્તાનમાં જ કર્યો.


૯. સાદાઈ

ભોગોભોગો ભોગવવાનો આરંભ તો કર્યો, પણ તે ટકી ન શક્યો. રાચરચીલું વસાવતાં તો મને મને તે ઉપર મોહ ન જ ઊપજી શક્યો. એતલે ઘર વસાવ્યું તેવો જ મેં ખરચ ઓછું કરવાનો આરંભ કર્યો. ધોબીનું ખરચ પણ વધારે લાગ્યું. અને વળી ધોબી નિયમિતપણે કપડાં ન આપે તેથી બેત્રણ ડઝન ખમીસથી ને તેટલા કૉલરથી પણ મારું ન નભે. કૉલર રોજ બદલવા; ખમીસ રોજ નહિં તો એકાંતરે બદલવા. એટલે બે તરફથી ખરચ થાય. આ મને નકામું જણાયું. એટલે ધોવાનો સરંજામ વસાવ્યો.ધોવાની કળાની ચોપડી વાંચીને ધોવાનું શીખ્યો. પત્નીને પણ શીખવ્યું. કંઇક બોજો તો વધ્યો જ, પણ નવું હતું એટલે વિનોદ થતો.

મારો પહેલો હાથે ધોયેલો કૉલર તો હું કદી ભૂલું તેમ નથી. એમાં આર વધારે ચડેલ ને ઈસ્તરી પૂરી ગરમ નહોતી. વળી, કૉલર દાઝી

  1. *નિરાહારીના વિષયો તો શાંત થાય છે, પણ રસ નથી શમતા; રસ પણ ઈશ્વરદર્શનથી શમે છે. -‌ ગીતા, અ૦ ૨. શ્લો૦ ૫૯.