પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૦. બોઅર યુદ્ધ

સને ૧૮૯૭થી '૯૯ દરમ્યાનના જિંદગીના બીજા અનેક અનુભવો છોડીને હવે બોઅર યુદ્ધ ઉપર આવું છું. આ યુદ્ધ જ્યારે થયું ત્યારે મારી પોતાની લાગણી કેવળ બોઅરો તરફ હતી. પણ આવી બાબતમાં વ્યક્તિગત વિચારો મુજબ કામ કરવાનો અધિકાર મને હજુ પ્રાપ્ત નથી થયો એમ હું માનતો હતો. આ બાબતની ગડમથલનું સૂક્ષ્મ નિરીક્ષણ મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં કર્યું છે, તેથી અહીં કરવા નથી ઇચ્છતો. જિજ્ઞાસુને તે ઇતિહાસ વાંચી જવા સૂચવુ છું. અહીં તો એટલું જ કહેવું બસ છે કે, બ્રિટિશ રાજ્ય તરફની મારી વફાદારી મને તે યુદ્ધમાં ભાગ લેવા બળાત્કારે ઘસડી ગઇ. મને લાગ્યું કે, જો હું બ્રિટિશ રૈયત તરીકે હકો માગી રહ્યો હતો, તો બ્રિટિશ રૈયત તરીકે બ્રિટિશ રાજ્યના રક્ષણમાં ભાગ આપવાનો મારો ધર્મ હતો. હિંદુસ્તાનની સંપૂર્ણ ઉન્નતિ બ્રિટિશ સામ્રાજ્યમાં થઇ શકે એવો મારો અભિપ્રાય તે કાળે હતો. તેથી, જેટલા સાથીઓ મળ્યા તેટલા મેળવીને અને અનેક મુસબીતો વેઠીને અમે ઘાયલ થયેલાક્ષની શુશ્રૂષા કરનારી એક ટુકડી ઊભી કરી. અત્યાર સુધી સામાન્ય રીતે અહીંના અંગ્રેજોમાં હિંદીઓ જોખમનાં કામ ન ખેડે, સ્વાર્થ ઉપરાંત બીજું કશું તેમને ન સૂઝે, એવી જ માન્યતા હતી. તેથી ઘણા અંગ્રેજ મિત્રોએ મને નિરાશાના જ જવાબો આપ્યા. માત્ર દા. બૂથે ખૂબ ઉત્તેજન આપ્યું. તેમણે અમને ઘાયલ યોદ્ઘાઓની સારવાર કરવાની તાલીમ આપી. અમારી લાયકાતનાં દાક્તરનાં પ્રમાણપત્રો મેળવ્યાં. મિ. લોટન તથા મરહૂમ મિ. એસ્કંબે પણ આ પગલું પસંદ કર્યું. આખરે લડાઇમાં સેવા કરવા દેવાની અમે સરકારને અરજી કરી. જવાબમાં સરકારે ઉપકાર માન્યો. પણ અમારી સેવાની તે વેળા જરૂર નહોતી એમ અમને જણાવવામાં આવ્યું.

પણ મારે એવી 'ના'થી સંતોએ માની બેસવું નહોતું. દા. બૂથની મદદ લઇ તેમની સાથે હું નાતાલના બિશપને મળ્યો. અમારી ટુકડીમાં ઘણા ખ્રિસ્તી હિંદીઓ હતા. બિશપને મારી માગણી બહુ ગમી. તેમણે મદદ કરવાનું વચન આપ્યું.