પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દરમ્યાન, સંજોગો પોતાનું કામ કરી રહ્યા હતા. બોઅરોની તૈયારી, ર્દઢતા, વીરતા, ઈત્યાદી ધાર્યા કરતાં વધારે તેજસ્વી નીવડ્યાં. સરકારને ઘણા રંગરૂટોનો ખપ પડ્યો, અને અંતે અમારી માગણીનો સ્વીકાર થયો.

આ ટુકડીમાં લગભગ ૧,૧૦૦ જણ હતા. તેમાં લગભગ ૪૦ મુખી હતા. બીજા ત્રણસેંક સ્વતંત્ર હિંદીઓ ભરતીમાં દાખલ થયા હતા. બાકીના ગિરમીટિયા હતા. દા. બૂથ પણ અમારી સાથે હતા. ટુકડીએ કામ સરસ કર્યું, જોકે તેને દારૂગોળાની બહાર કામ કરવાનું હતું અને તેને 'રેડ ક્રોસ'[૧] નું રક્ષણ હતું. છતાં ભીડને સમયે દારૂગોળાની હદની અંદર કામ કરવાની તક પણ અમને મળી. આવા જોખમમાં ન ઊતરવાનો કરાર સરકારે પોતાની ઇચ્છાથી અમારી જોડે કર્યો હતો. પણ સ્પિયાંકોપની હાર પછી સ્થિતિ બદલાઇ. તેથી જનરલ બુલરે સંદેશો મોકલાવ્યો કે, જોકે અમે જોખમ વહોરવાને બંધાયેલા નહોતા, છતાં જો અમે તેવું જોખમ વહોરીને ઘાયલ સિપાઇઓને તેમ જ અમલદારોને રક્ષણક્ષેત્રમાંથી ઊંચકી ડોળીઓમાં ખસેડી લઇ જવા તૈયાર થઇશું તો સરકાર ઉપકાર માનશે. અમે તો જોખમ વહોરવા તત્પર જ હતા. એટલે સ્પિયાંકોના યુદ્ધ પછી અમે દારૂગોળાની હદની અંદર કામ કરતા થઇ ગયા.

આ દિવસોમાં બધાને ઘણી વાર દહાડાની વીસપચીસ માઇલની મજલ કરવી પણતી; અને એક વખત તો ઘાયલોને ડોળીમાં ઊંચકીને તેટલા માઇલ ચાલવું પડ્યું હતું. જે ઘાયલ થયેલ યોદ્ધાઓને અમારે આમ ઊંચકીને જવાનુ હતું તેમાં જનરલ વુડગેટ વગેરે પણ હતા.

છ અઠવાડિયાંને અંતે અમારી ટુકડીને વિદાયગીરી આપવામાં આવી. સ્પિયાંકોપ અને વાલક્રાન્ઝની હાર પછી લેડીસ્મિથ વગેરે સ્થળોને બોઅરોના ઘેરામાંથી મહાવેગે મુક્ત કરવાનો વિચાર બ્રિટિશ સેનાપતિએ માંડી વાળ્યો હતો, અને ઈંગ્લેંડથી તથા હિંદુસ્તાનથી બીજા વધારે લશ્કરની રાહ જોવાનો તથા ધીમે કામ લેવાનો નિશ્ચય કર્યો હતો.

અમારા નાનકડા કામની તે વેળા તો બહુ સ્તુતિ થઇ. એથી હિંદીઓની

  1. એટલે લાલ સ્વતિક. યુદ્ધમાં આ ચિહ્નવાળા પટ્ટા શુશ્રષાનાં કામ કરનારને ડાબે હાથે બાંધે છે. શત્રુ પણ તેમને ઇજા ન કરી શકે તેવા નિયમ હોય છે. વધુ વિગત માટે જુઓ 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ખંડ ૧, પ્ર. ૯